જસદણ- વિછીંયા તાલુકામાં રૂ. ૮૭ કરોડથી વધુ રકમનાં વિકાસ કામોનાં લોકાર્પણ- ખાત મુહૂર્ત સંપન્ન
ઓગષ્ટ -મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના જસદણ-વિંછીયા વિસ્તારના કનેસરામાં રૂ. ૮૭ કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા છેવાડાના અંતિમ માનવી સુધી સુવિધાસભર પ્રાથમિક સેવાઓ પહોંચાડવાની રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી છે.
વિજયભાઈ રૂપાણીએ જસદણ-વિંછીયાની અત્યાર સુધી કોંગ્રેસે કરેલી ઉપેક્ષા અને વિકાસ વિરોધી માનસિકતા પ્રત્યે નુક્તેચિની કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે દેશમાં આજે કોંગ્રસને કોઇ સાંભળવા કે સંભાળવા તૈયાર નથી, કોંગ્રેસ આજે ડુબતી નાવ છે. લોકોને પણ પ્રતીતિ થઇ ગઇ છે કે કોંગ્રસ ભરોસાને લાયક નથી એટલે જ આજે દેશ કોંગ્રેસમુકત થઇ રહયો છે.
તેમણે કહ્યું કે અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે આગળ વધી રહી છે અને દેશ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન હેઠળ વિકાસનાં શિખરો સર કરી રહ્યો છે.
મુખ્યમંત્રીએ જસદણ અને વિછીયાનાં વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારનાં કર્મઠ લોકસેવક અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને ભરતભાઇ બોધરાનાં સક્રિય પ્રયાસોથી આજે અનેક વિકાસકાર્યો અવિરત રીતે થઇ રહયાં છે અને જસદણ વિસ્તારની ટુંકાગાળામાં જ કાયાપલટ થશે તેમા કોઇ શંકા નથી.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમારોહનાં અધ્યક્ષસનેથી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર જસદણ તેમજ વિછીંયા પંકનાં વિસ્તારનો સંપૂર્ણ વિકાસ સાધવા રાજય સરકાર આપણી સાથે હોવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જે ભરોસો આપ્યો હતો તેની આજે મુખ્યમંત્રીએ ૮૭ કરોડથી વધુનાં પ્રોજેકટનાં લોકાપર્ણ- ખાતમુહૂર્ત કરી પ્રતીતિ કરાવી આપી છે.
પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ખેતી અને ખેડૂતોનાં સર્વાંગી વિકાસ અને ઉતન માટે સતત સક્રિય રીતે કામ કરી રહી છે. ખેતી અને ખેડુતોને સિંચાઇનાં પાણીની કે પીવાનાં પાણીની મુશ્કેલી ન પડે તે તેની સતત તકેદારી રાખીને આગળ વધી રહી છે.
આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર આ વિસ્તારનાં લોકોને સૌની યોજના કી પીવાનાં પાણીની સમસ્યામાંથી કાયમી મુકત કરવા કટિબદ્ધ છે અને તેની પ્રતીતિ આજે આ વિસ્તારનાં લોકોને થઇ રહી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે સી.આઇ.એફ.નાં શુભ ગ્રામ સંગઠન આસલપુરને અને જય જોગેશ્વર ગ્રામ સંગઠન ખારચીયાને ચેક અપર્ણ કરવામાં આવ્યા હતાં તેમજ ગ્રામોદય યોજના અંતર્ગત ખોડીયાર મિશન મંગલમ ગૃપ લીલાપરને અને ગ્રામ સખી સંઘ દેવપરાને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં. આ તકે મુખ્યમંત્રી અને મહાનુભાવોનું ગ્રામજનો દ્વારા મોમેન્ટો અર્પણ કરી અદકેરું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
સમારોહમાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, ગોંડલ યાર્ડનાં પ્રમુખ જયંતિભાઇ ઢોલ, અગ્રણી ડી. કે. સખીયા, ભાનુભાઇ મહેતા, ભૂપતભાઇ ડાભી, પાણી પુરવઠા વિભાગનાં અગ્રસિચવ જે.પી. ગુપ્તા, જળ સંપતિ વિભાગનાં સચિવ એમ.કે. જાદવ, માર્ગ અને મકાન વિભાગનાં સચિવ એસ.બી.વસાવા, રેન્જ આઇજી સંદીપ સિંઘ, જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. સ્વાગત પ્રવચન પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, આભારવિધિ પ્રાંત અધિકારી ચૌધરીએ કરી હતી.