આરોપીની આંખની કિકીથી માંડી પગની પેની સુધીની તમામ બાયોમેટ્રિક વિગતો પોલીસ રેકોર્ડમાં રખાશે !!

ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે ગુનેગારો પણ આધુનિકીકરણ તરફ વધી રહ્યા છે. આગામી ટૂંકા સમયગાળામાં હવે ફીઝીકલ ગુન્હાની સાપેક્ષે સાયબર ક્રાઇમમાં ધરખમ ઉછાળો નોંધાઇ તેવી પ્રબળ શજયતાઓ છે. ત્યારે સાયબર ક્રાઇમની સાથે તમામ પ્રકારના ગુન્હા અને ગુનેગારો ઓર ગાળિયો કસવા કેન્દ્ર સરકાર ક્રિમિનલ પ્રોસીઝર એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. જેના હેઠળ ગંભીર ગુનાના આરોપીની તમામ બાયોમેટ્રિક વિગતો એકત્ર કરવામાં આવશે. જેથી આ આરોપીની તમામ વિગતો અગાઉથી જ પોલીસ પાસે હાજર હોવાથી જો કોઈ ઘટના બને તો તરત જ આરોપીની બાયોમેટ્રિક વિગતો સાથે સરખામણી કરી જો સેમ્પલ મેચ થાય તો ગુન્હાનો ભેદ તાત્કાલિક ઉકેલી શકાશે.

કેન્દ્રએ ક્રિમિનલ પ્રોજીસર એક્ટ (આઇડેન્ટિફિકેશન) અધિનિયમ, 2022 માટેના નિયમોને સૂચિત કર્યા છે, જે પોલીસને બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવાની સત્તા આપે છે. આ અધિનિયમ હેઠળ પોલીસ ખાતું આઇરિસ અને રેટિના, આંગળી, હથેળી, પગની છાપ, ફોટોગ્રાફ્સ, સહીઓ અને દોષિતો અને અન્ય વ્યક્તિઓના હસ્તાક્ષર સ્કેન કરી શકશે. ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે.

કેન્દ્રએ જે નિયમો ઘડ્યા છે તેના હેઠળ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો માટે બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવા માટેના સાધનો અને ઉપકરણોનો ઉલ્લેખ કરવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા તૈયાર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

એનસીઆરબીને ડિજિટલ અને ફિઝિકલ સહિતનું ફોર્મેટ સ્પષ્ટ કરવા પણ કહેવામાં આવ્યું છે. એસઓપી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડેટાને હેન્ડલિંગ અને સ્ટોરેજ કરવાની રીતો પણ સૂચિબદ્ધ કરશે.

જે તે શહેર જિલ્લાના પોલીસ વડા કે વહીવટી પાંખના વડા દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું હોય તેવા ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીની બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે નહીં. જો કે, આ સિવાયના ગુન્હામાં જો આરોપીની સંડોવણી ધ્યાને આવશે તો ચોક્કસ બાયોમેટ્રિક વિગતો એકત્રિત કરવામાં આવશે. કલમ 144 અથવા કલમ 145 હેઠળ જાહેર કરાયેલા કોઈપણ નિષેધાત્મક આદેશના ઉલ્લંઘનનો આરોપ મૂકાયેલો હોય તેવી વ્યક્તિ અથવા સીઆરપીસીની કલમ 152 હેઠળ ધરપકડ કરવામાં આવી હોય ત્યાં સુધી તેની સામે કોઈ અન્ય સજાપાત્ર ગુનાના સંબંધમાં આરોપ અથવા ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે નહીં.

બાયોમેટ્રિક વિગતો આપવાનો ઇનકાર કરનારાઓ માટે નિયમો આકરા બનાવવામાં આવ્યા છે. ઉપરાંત રેકોર્ડ કે પુરાવાનો નાશ સહિતની બાબતોનો પણ એસઓપીમાં ઉલ્લેખ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.