ગ્રામ્ય વિસ્તારોમાં રૂબરૂ જઈને મુખ્યમંત્રી દ્વારા જાત નિરીક્ષણ , જિલ્લા અધિકારીઓ સાથે બેઠકો યોજી જરૂરી સૂચનાઓ અપાઈ
અબતક, રાજકોટ : નુકસાનીનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ગિરસોમનાથ અને અમરેલીની મુલાકાતે છે. તેઓએ ગ્રામ્ય વિસ્તારોમાં રૂબરૂ જઈને જાત નિરીક્ષણ હાથ ધરીને જિલ્લા અધિકારીઓ સાથે બેઠકો યોજી તેઓને જરૂરી સૂચનાઓ પણ આપી છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લઈ નુકસાનીની જાત માહિતી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉના તાલુકાનાના ગરલ ગામની,રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત આજે દિવસ દરમ્યાન લીધી છે. વિજયભાઈ રૂપાણીએ નિરીક્ષણ મુલાકાત બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવી જરૂરી સૂચનાઓ પણ આપી છે.
ઉના: ગરાળ ગામની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવતા મુખ્યમંત્રી
વાવાઝોડા પ્રભાવિત ગામોની આ મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન તેમજ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ જોડાયા હતા.ત્યારબાદ મુખ્યમંત્રી મોડી સાંજે ગાંધીનગર પરત આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા તંત્રને સાથે રાખીને મુખ્યમંત્રીએ તમામ નુક્સાનીનું ઝીણવટભર્યું નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ અસરગ્રસ્તો સાથે મુલાકાત પણ કરી હતી.
મંત્રીઓને વિસ્તાર પ્રમાણે જવાબદારી સોપાઈ તેવી સંભાવના
અમરેલી અને ગિરસોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાની સર્જી છે. ત્યારે જન જીવન હાલ પૂનઃધબકતું તો થઈ ગયું છે પણ હાલાકીનું પ્રમાણ ખૂબ વધુ છે. આ કપરાકાળમાં પરિસ્થિતિ સામાન્ય કરવા સરકાર કમર કસી રહી છે. તેવામાં મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાતે છે.હવે સરકાર દ્વારા અસરગ્રસ્ત સુધી સહાય પહોચાડવાની ઝુંબેશ છેડવામાં આવનાર છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની જવાબદારી મંત્રીઓને સોપાઇ તેવી પ્રબળ સંભાવનાઓ છે.
પુરજોશમાં ચાલતો નુક્સાનીનો સર્વે : નજીકના જિલ્લાઓમાંથી પણ અધિકારીઓને ફરજ સોપાઈ
વાવાઝોડાના બીજા દિવસે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નુકસાનીનો સર્વે કરવાના આદેશો છોડવામાં આવ્યા હતા. જેના પગલે તંત્રએ તુરંત નુકસાનીનો સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી હતી. જો કે નુકસાનીનું પ્રમાણ વ્યાપક હોય સર્વેમાં વિલંબ ન થાય તે માટે નજીકના ઓછા અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવે છે.