ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવતી લાલ પતિની ડુંગળી અને બટેટાની નિકાસને વેગમાન બનાવવા ખેડૂત વેપારીઓને પરિવહન સહાય આપવાનો સરકારનો માસ્ટર પ્લાન
રાજ્ય સરકાર દ્વારા ડુંગળી માટે રૂ. 2 અને બટાટા માટે રૂ.1ની સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂતોની વ્હારે આવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ સરાહનીય છે પણ નુકસાન સામે જાહેર કરવામાં આવેલી સહાયથી માત્ર નજીવો જ ફાયદો થશે તેવો ખેડૂતોએ મત આપ્યો છે. આમ સહાય ઓછી હોવાથી ખેડૂતોના અસંતોષ છે.
રાજયમાં ડુંગળી અને બટાકાના વેચાણમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી તેવી ફરિયાદો રાજય સરકારને મળી હતી. જેના પગલે રાજય સરકારે લાલ ડુંગળીના વેચાણમાં પ્રતિકિલો રૂ. 2 અને બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે કે વેચાણ કરે તો તે પેટે પ્રતિકિલો રૂ.1ની સહાય આપવાની જાહેરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી હતી. તેમણે આ સાથે લાલ ડુંગળી અને બટાટાના રાજય,દેશ અને દેશબહાર વેચાણ માટેનો ટ્રાન્સપોર્ટ સહાયની પણ જાહેરાત કરી હતી.
જેના પરિણામે સરકારને ડુંગળી પેટે રૂ. 90 કરોડ અને બટાટા માટે રૂ. 240 કરોડ મળીને કુલ રૂ. 330 કરોડનો નાણાંકીય બોજ પડશે. જો કે આ સહાય અપૂરતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ જણાવે છે કે રાજય સરકાર દ્વારા ડુંગળીમાં પ્રતિકિલો રૂ.2 અને બટાટામાં પ્રતિકિલો રૂ. 1નું રાહત પેેકેજ ખેડૂતોની મજાક સમાન છે.
સરકારે સહાય વધારવી જોઈએ: વિઠ્ઠલભાઈ પટેલ
અબતક સાથેની વાતચીતમાં ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ જણાવે છે કે,સરકારે જે જાહેરાતની વાત કરી છે તે ખરેખર આવકાર્ય છે પરંતુ થોડી મર્યાદામાં છે, થોડી ખેડૂતોની આશા વધારે હતી કે પોષણક્ષમ ભાવ અથવા પોષણક્ષમ સહાય મળી રહે.માવઠાને લીધે ઉત્પાદનને નુકસાન થયું છે તથા પૂરતો ભાવ મળી રહ્યો નથી.ટ્રાન્સપોર્ટનું ભાડું પણ ન નીકળતું હોવાથી,સરકારને રજૂઆત કરવાથી સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બધી બાબતોમાં સહાય આપી છે એ સારી બાબત છે પરંતુ થોડી સહાય વધારવી જોઈએ જેથી ખેડૂતો ઉત્સાહિત રહે.
બટેટામાં રૂ.60 થી રૂ.150 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે: ધર્મેશભાઈ પટેલ
અબતક સાથેની વાતચીતમાં લવલી ટ્રેડર્સ ના ધર્મેશભાઈ પટેલ જણાવે છે કે,ગયા વર્ષ કરતા ડુંગળી અને બટેટાના ભાવ આ વર્ષે નીચા છે ડુંગળીમાં રૂ.50 થી રૂ.250 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે તથા બટેટામાં રૂ.60 થી રૂ.150 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે.કૃષિ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ડુંગળી પર 2 રૂ.સહાયની જાહેરાત કરવામાં આવી છે તથા બટાટા પર બોરીએ રૂપિયા 50ની જાહેરાત કરવામાં આવી છે આ સહાયથી ખેડૂતોને થોડો લાભ થાય તેવું અનુમાન છે પરંતુ ખૂબ નીચા ભાવ છે અને નુકસાન વધારે છે ત્યારે સહાયથી થોડો લાભ થાય તેવું અનુમાન છે.
હાલ ડુંગળીના રૂ.30 થી રૂ.270 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે: રમેશભાઈ પટેલ
અબતક સાથેની વાતચીતમાં આર.કે. કંપનીના રમેશભાઈ પટેલ જણાવે છે કે,હાલ ડુંગળીના રૂ.30 થી રૂ.270 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે.બધા રાજ્યોમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે તેના કારણે આ સ્થિતિ સર્જાઇ છે.આ પાક લાલપતિ ડુંગળી કહેવાય છે અને એક મહિના બાદ જે ડુંગળી આવે તેને પીળીપતિ ડુંગળી કહેવાય છે. બંનેના ભાવોમાં પણ ફેરફાર હોય છે,લાલ ડુંગળીનું આયુષ્ય ઓછું હોય છે,જે ખેતરમાંથી પાક લીધા બાદ 20 દિવસના સમયગાળામાં તેનો વપરાશ કરવો પડે છે પરંતુ જે પીળીપતિ જાતની ડુંગળીઓ છે તેનું આયુષ્ય આશરે 7-8 મહિના જેટલું હોય છે.કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી છે જેના અંતર્ગત ડુંગળીના પાકમાં આશરે 700 કરોડ ની રકમ સહાય પેટે આપવામાં આવી છે તથા એક કિલોએ રૂ.2 ની સહાય કરવાની જાહેરાત છે તથા ટ્રાન્સપોર્ટેશનમાં પણ સહાય આપવાના છે,પરંતુ ખર્ચ જોતા સહાય ખૂબ નાની લાગે છે.
સરકારી સહાય થોડી ઓછી પરંતુ ખેડૂતોને થોડી રાહત મળશે : દિલીપ સખીયા
અબતક સાથેની વાતચીતમાં દિલીપ સખીયા જણાવે છે કે,સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો નથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળે તેવી ખેતી નથી. ખેડૂતોની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે, સરકારને આ બાબતે રજૂઆત કરવાથી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક કટ્ટા પર રૂ.100ની તથા એક કિલો એ રૂ.2 ની સહાયની જાહેરાત કરવામાં આવી છે.જે સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે તેને હું આવકારું છું.ટ્રાન્સપોર્ટેશનમાં પણ મદદ કરવામાં આવી છે.રોડ ટ્રાન્સપોર્ટ થતું હોય તેમાં 50% તથા ટ્રેન મારફતે ટ્રાન્સપોર્ટેશન માં 100% ની સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. એક્સપોર્ટમાં 25% ની સબસીડીએ વધુમા વધુ 10 લાખ સુધીની જાહેરાતથી ક્યાંક ને ક્યાંક વેપારમાં ગતિ મળશે જોકે સહાય થોડી ઓછી કહેવાય પરંતુ ખેડૂતોને જરૂરથી થોડી રાહત મળશે.