કરદાતાઓને વિકાસના ગ્રોથમાં જોડી દેવા ‘બાબુશાહી’ ઉપર અંકુશ
રૂપિયાની તરલતા લાવવા, એનબીએફસી સાથે બેન્કિંગ ક્ષેત્રને આવરી લઇ વ્યાજદર સહિત પગલા લેવા નાણામંત્રીનો આદેશ
વિદેશી હુંડિયામણનુ રિઝર્વ રૂપિયા ૩૦ લાખ કરોડને પાર
દેશની અર્થવ્યવસ્થા હાલ પાટાથી નીચે ઉતરી ગઈ છે ત્યારે ફરી પાટા પર ચડાવવા દેશ અને સરકાર તે અંગેનો માસ્ટર પ્લાન બનાવી રહ્યું છે જેમાં વ્યાજદરમાં ઘટાડો, બજારમાં તરલતા, વિદેશી હુંડિયામણ, બેન્કિંગ સિસ્ટમમાં સુધારો સહિત અનેક પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. દેશને આવનારા પાંચ વર્ષમાં પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચાડવા માટે અનેકવિધ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વપ્નને સાકાર કરવા માટે અને અર્થતંત્રની ગાડીને પાટે ચડાવવા માટે સરકારે કમરકસી હોય તેવું લાગી રહ્યું છે.
બજારમાં તરલતા લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં નાણામંત્રાલય દ્વારા નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની સાથે બેન્કિંગ ક્ષેત્રને પણ આવરી લેવાની વાત કરવામાં આવી છે. બંને ક્ષેત્રોને આવરી લેતા બજારમાં તરલતાને વેગ મળશે અને જે વિકાસ કાર્યો છે તે પણ યોગ્ય ગતિએ શરૂ થશે જેથી જે દેશ સંકટ અનુભવી રહ્યો છે તે અનુભવે નહીં ત્યારે ફિચ સંસ્થા દ્વારા એવું પણ એંધાણ કરવામાં આવી રહ્યું છે કે, આવનારા ૨૦૨૦નાં માર્ચ સુધીમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ૪૦ બેઈઝીસ પોઇન્ટનો ઘટાડો કરશે જેથી હોમલોન સહિતની અનેકવિધ લોન સસ્તી પણ થશે. દેશમાં જયારે અર્થતંત્રની વાત કરવામાં આવે છે ત્યારે ઓટો મોબાઈલ ક્ષેત્ર દિન-પ્રતિદિન રોજગારી ગુમાવી રહ્યું છે. સાથો સાથ એમએસએમઈ ક્ષેત્રને પણ અનેક વિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તકે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને પબ્લીક સેકટર બેન્કો સાથે મંત્રણા કરી આગામી દિવસોમાં પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચવા માટેનાં સુઝાવો માંગ્યા છે અને બેન્કિંગ સેકટરનાં વિકાસ માટે રોડ મેપ પણ તૈયાર કરવા જણાવ્યું છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, પબ્લીક સેકટર બેંકો અને એનબીએફસી ક્ષેત્રને બેઠી કરવા માટે બ્રાંચ લેવલ, ન્યુઝનલ લેવલ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જે રીતે સરકાર દ્વારા ૨ કરોડ રૂપિયાની લીમીટ નિર્ધારીત કરવામાં આવી છે તે જોતા નાણામંત્રી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારનાં લોકો વધુને વધુ બેન્કિંગની સુવિધાઓનો ઉપલબ્ધ કરે તે દિશામાં પગલા લેવા અનિવાર્ય છે. ભારત દેશ કેશ ઈકોનોમીનો દેશ માનવામાં આવે છે જયાં લોકો રોકડ વ્યવહાર પર સૌથી વધુ ભરોસો રાખે છે. બીજી તરફ બેન્કિંગ ક્ષેત્રમાં જે સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર હોવું જોઈએ તે યોગ્ય માત્રામાં ન હોવાથી તેઓને બેન્કિંગની કાર્યપ્રણાલી પર ભરોસો રહેતો નથી પરંતુ જે રીતે ડિજિટલ ઈન્ડિયાને વડાપ્રધાન દ્વારા પ્રમોદ કરવામાં આવી રહ્યું છે તે જોતાં બેન્કિંગ ક્ષેત્રને પણ ડિજિટલ કરવા માટે તમામ યોગ્ય પગલાઓ લેવા અનિવાર્ય બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલયનાં નાણામંત્રી અને બાબુઓ સાથે બેઠક યોજી હતી ત્યારબાદ ત્વરીત નાણામંત્રીએ પણ બેઠક યોજી અધિકારીઓને બાબુશાહી ઉપર અંકુશ લાવવા આદેશો કર્યા હતા અને વિકાસનાં ગ્રોથમાં કરદાતાઓને જોડી દેવા પણ હાંકલ કરી હતી. વધુમાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, અધિકારીઓએ કરદાતાઓને ભગવાન સમાન ગણવા જોઈએ. વારંવાર જે કરદાતા યોગ્ય રીતે તેમનો કર ભરતા હોય છે તેમને પણ આવકવેરા વિભાગનાં અધિકારીઓ, જીએસટીનાં અધિકારીઓ હેરાન-પરેશાન કરતા નજરે પડે છે પરંતુ જે કરદાતાઓ યોગ્ય રીતે તેમનો નિયમિત કર ભરતા નથી તેમનાં પર અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરતા નથી ત્યારે મુખ્ય પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે, જે પૂર્ણત: કરદાતાઓ તેમનો કર ભરે છે તેમને સહેજ પણ હેરાન ન થાય. દિવસેને દિવસે નાણામંત્રાલયનાં બાબુઓ અને અધિકારીઓ દ્વારા જે બાબુશાહી કરવામાં આવે છે તેનાથી અનેકવિધ પ્રકારે રૂપિયો બહાર આવતો નથી અને બે નંબરી વ્યવહારો થતા નજરે પડે છે. આથી જો કરદાતાઓ પર અધિકારીઓ અંકુશભર્યું વાતાવરણ રાખે તો બજારમાં રૂપિયો પણ આવશે અને તેની બીજી તરફ રૂપિયો પણ બજારમાં ફરતો થશે જેથી તરલતાનો પ્રશ્ર્ન સહેજ પણ ઉદભવિત નહીં થાય. જયારે બીજી તરફ જે રીતે દેશનું અર્થતંત્ર પાટા ઉપરથી નીચે ઉતરી ગયું છે ત્યારે વિદેશી હુંડિયામણ પણ રૂા.૩૦ લાખ કરોડને પાર પહોંચ્યું છે. સાંકેતિક રીતે જો માહિતી પ્રાપ્ત કરવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા માટે આ એંધાણ ખુબ જ સારા માનવામાં આવે છે. વિદેશી હુંડિયામણ વધતું હોવાથી ડોલર સામે રૂપિયો પણ મજબુત થશે અને દેશ જે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે તેમાં દેશ જે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે તે પણ હવે નહીં થાય પરંતુ માત્ર હવે યોગ્ય દિશા જ નકકી કરવાની બાકી છે જેથી દેશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનું સ્વપ્ન સેવ્યું હતું તે પૂર્ણ થઈ શકે.