- મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારના સેવા-સંકલ્પ-સમર્પણના બે વર્ષની સફળતાના અવસરે યુવાઓને સરકારની સેવામાં નિમણૂકના પત્રો એનાયતનો ગૌરવ સાળી સમારોહ સંપન્ન
- રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 580 નવયુવાનોને જન સેવામાં જોડાવાની તક મળી
- 2047 ના વિકસિત ગુજરાત માટે લિવિંગ વેલ અને અર્નિંગ વેલના ધ્યેયથી ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિ માટે નગરો-મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંતર્ગત સફાઈ સાધનો અર્પણ થયા
- આવનારા બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાનું આયોજન
- વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતામાં યુવા શક્તિના સામર્થ્ય કૌશલ્ય અને રાજ્યના વિકાસમાં જોડવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ થઈ તૃતિય વર્ષમાં પદાર્પણ અવસરે રાજ્ય સરકારની સેવાઓમાં યુવાશક્તિના સામર્થ્ય અને કૌશલ્યને જોડવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણુંક પામેલા 580 જેટલા યુવાઓને આ સમારોહમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતીમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં રાજ્યસરકારે યુવાશક્તિના કૌશલ્યને જનતાની સેવામાં જોડવા સરકારી વિભાગોમાં ભરતી કેલેન્ડર અનુસાર સ્પર્ધાત્મક પરિક્ષાઓથી ભરતી પ્રક્રિયાને પ્રાથમિક્તા આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સફળ થઈને નિમણૂક પામી રહેલા યુવાઓને નિયુક્તિ પત્રો એનાયત કરતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને ટ્રાન્સપેરેન્ટ રીક્રુટમેન્ટથી વર્તમાન સરકાર આળગ ધપાવી રહી છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વિકાસની જે નવી ક્ષિતીજો ખુલી છે તેના પરીણામે હવે લોકોની અપેક્ષાઓ વધી છે અને ટાઈમલી ડિલીવરી તથા ટ્રાન્સપેરેન્ટ ગવર્નન્સ જોઈએ છે.
રાજ્ય સરકારે આ માટે પુરી પારદર્શિતાથી નવયુવાનોને સરકારી સેવામાં પસંદગી પામવાના અવસરો આપ્યા છે અને લાગવગ કે ભલામણોના તૌર-તરીકા હવે બંધ થઈ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી અને મંત્રીઓ, વરિષ્ઠ સચિવોના હસ્તે જે નવ યુવાઓને નિમણૂક પત્રો એનાયત થયા છે તેમાં પંચાયત સેવામા અધિક મદદનીશ ઈજનેર, માર્ગ મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર, શહેરી વિકાસ વિભાગમાં પ્લાનિંગ આસીસ્ટન્ટ અને સર્વેયર તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં આઈ.સી.ટી. ઓફિસર્સની જગ્યાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, વિકસિત ભારત માટેના ચાર મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ પૈકીના એક સ્તંભ એવી યુવાશક્તિના ધગશ, જોમ અને જુસ્સાને વિકસિત ગુજરાત માટે સરકારી સેવાઓમાં જોડવાની આપણી નેમ છે.
તેમણે 2047ના વિકસિત ગુજરાત માટે રાજ્ય સરકારે જે રોડમેપ તૈયાર કર્યો છે તેમાં લિવીંગ વેલ અને અર્નિંગ વેલનો ધ્યેય રાખ્યો છે તેની પણ ભૂમિકા આ પ્રસંગે આપી હતી.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, લોકોનું ઈઝ ઓફ લિવીંગ વધારવા ગામો-નગરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંતર્ગત સ્વચ્છતા-સફાઈ ખાસ કરીને અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજના સુચારું સંચાલન માટે રાજ્ય સરકારે સાધનોની ફાળવણી પણ કરી છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 16 નગરપાલિકાઓને ઈમરજન્સી રિસ્પોન્સ સેનીટેશન યુનિટ અંતર્ગત 15 જેટીંગ-સક્શન મશીન અને 24 ડિસેલ્ટીંગ મશીન પણ આ કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ તકે કહ્યુ કે, આગામી બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન છે.
મુખ્યમંત્રીએ નવ નિયુકત યુવાઓને નાનામાં નાના માનવીના ક્લ્યાણ માટે સેવારત રહિને ગુજરાતના સુશાસન અને વિકાસ મોડેલને નવી ઉંચાઈ આપવા પ્રેરણા આપી હતી.
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે મુખ્યમંત્રીના નેતૃત્વમાં બે વર્ષની સફળ વિકાસ યાત્રા બદલ સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં નવા જોડાયેલાં કર્મચારીઓ સાચા અર્થમાં કર્મયોગી બનીને સેવાના માધ્યમથી સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપશે તેવી આશા છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001થી ગુજરાતની શાસનધુરા સંભાળી ત્યારથી વાઈબ્રન્ટ ગુજરાત, ઉદ્યોગ ક્ષેત્રને પ્રાધાન્ય, શાળા પ્રવેશોત્સવ,મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના જેવા વિવિધ નવા આયામો શરૂ કરીને અનેક સિદ્ધિઓ સર કરીને સાચા અર્થમાં સુશાસન આપ્યું છે. વડાપ્રધાનના વર્ષ 2047 સુધી ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત શ્રેષ્ઠ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને મંત્રીએ સૌ નવ નિયુક્ત કર્મયોગીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચન કરતા પંચાયત વિભાગના રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થ નેતૃત્વમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. છેવાડાના નાગરિકોના વિકાસ દ્વારા જીવન બદલવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ‘બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિઝનરી લીડરશીપમાં થયેલી જનહિત કામગીરી તેમજ રાજ્ય સરકારના તમામ વિભાગોની વિવિધ યોજનાઓ તેમજ સિદ્ધિઓની સંપૂર્ણ વિગતોની છણાવટ આ માહિતી સભર પુસ્તકમાં કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરા પટેલ,વિધાનસભાના મુખ્ય દંડક જગદીશ મકવાણા,ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને એમ.કે દાસ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, પંચાયત વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, માર્ગ અને મકાન વિભાગના સચિવ એ.કે. પટેલ, પંચાયત, શહેરી વિભાગ, વિજ્ઞાન અને પ્રોધોગિક અને માર્ગ – મકાન વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ, નવી નિમણૂક પામી રહેલા યુવાઓ અને તેમના પરીવાર જનો ઉપસ્થિત રહ્યાં હતાં.