સરકારી મંડળીને પણ જમીન ફાળવી નથી
માણાવદરના અગ્રણી કહે છે સરકારની યોજના માત્ર કાગળ ઉપર જ
માણાવદર પંથકના સરકારી યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહી છે. ખેડુતોને ગોડાઉન બનાવવા સહાયની યોજના તથા મંડળીઓને ગોડાઉન બનાવવા જગ્યા આપવાની યોજના માત્ર કાગળ પર જ રહી છે તેમ ખેડુત અગ્રણી દેવજીભાઈ ઝાટકિયાએ જણાવ્યું હતુ.
ભારતની પ્રજાની એક મોટી ખાસિયત એ છે કે જે વધુ મૂર્ખ બનાવે અને લોલીપોપ ચગળાવે તેના હાથમાં દેશનું સુકાન આ પ્રજા સોંપે છે અને તેની વાહવાહ બોલાવે છે વાહવાહ કઇ છે શેની છે તેનાથી પ્રજા અજાણ અને અજ્ઞાન રહી છે.
માણાવદર ના સહકારી તથા ખેડૂત આગેવાન દેવજીભાઇ ઝાટકિયા એ ચરિતાર્થ કરતા જણાવેલ છે કે રાજય સરકાર પોતાના બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓની ભરમાર રજૂ કરે છે પણ હકીકતમાં આવી યોજનાઓનો લાભ મોટાભાગની પ્રજા પામી શક્તી નથી
ગુજરાત સરકારે ખેડૂતોને પોતાના ખેતરમાં ગોદામ બનાવવા ૩૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે પણ તેનો લાભ હજી ખેડૂતો ને મળ્યો નથી આ લોભામણી જાહેરાત ને આજે ત્રણ વર્ષ થયા છે છતાં સરકારે રાતી પાઇની સહાય કરી નથી ઝાટકિયા એ વધુમાં ઉમેરેલ છે કે ડિસેમ્બર ૨૦૧૫ મા રાજય સરકારે સહકારી સંસ્થાઓને ગોડાઉન બાંધવા જંતરીના દરથી માત્ર ૧૦ ટકાએ જમીન આપવાનું ઠરાવેલ હતું પણ પરિણામ આવ્યું નથી
માણાવદર ની સહકારી સંસ્થાએ મંડળીને લાગું પડતર જમીન માત્ર ૨૫૫ ચો.મીટર માગી છે તે હજુ સુધી મળેલ નથી આ તાલુકામાની વીસ સંસ્થાઓએ પણ જમીન માંગી છે પણ સરકાર આપવા રાજી થતી નથી યોજના કાગળ માં કેદ કરી દીધી છે.દેવજીભાઇ ઝાટકિયા એક વર્ષ થી આ પ્રશ્ન સબબ સરકારમાં રજૂઆતો ચલાવી રહયા છે પણ કોઇ નેતા કે અધિકારીઓ કે કૃષિમંત્રી તરફથી આશ્વાશન પૂરતો પણ જવાબ મળ્યો નથી ભારતની આ મોટી કમનસીબી છે જો સરકારે કંઇ આપવું જ ન હોય તો આવી લોભામણી જાહેરાતો બંધ કરવી જોઇએ એમ ઝાટકિયા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લખેલા પત્રમાં જણાવ્યું છે તથા કૃષિમંત્રી આર.સી.ફળદુને પણ આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ર્ન પરત્વે વિધેયાત્મક વલણ અપનાવી સરકારી યોજના જે કાગળ માં કેદ થઇ છે તેને મુકત કરી તેની અમલવારી કરવા જણાવ્યું છે