પ્રદુષણ વિના, ઓછા ખર્ચે અને મુંગી ચાલે એવી ટ્રિક એટલે ઇલેક્ટ્રિક..! હા, સાવ સ્વદેશી અને સરળ ટેગ લાઇન આપણે ઇલેક્ટ્રિક કાર માટે આપી શકીએ. શું તમે જાણો છો કે દરરોજ કરોડો વાહનોમાં જેમની રિફાયનરીમાં બનેલું પેટ્રોલ-ડિઝલ ભરાય છૈ એવા રિલાયન્સની રિફાયનરીના ધણી મુકેશભાઇ અંબાણી પોતે ટેસ્લા કંપનીની ઇલેક્ટ્રિક કારમાં ફરે છે..!
રિસર્ચ એજન્સી ઇક્રાનો સર્વેક્ષણ રિપોર્ટ એવું કહે છે કે વર્ષ 2020-21 માં કોવિડ-19 નાં કપરાકાળમાં ભારતમાં ભારતનું પેસેન્જર વ્હિકલનું માર્કેટ ભલે બે થી ચાર ટકા ઘટ્યું છે પરંતુ 2021-22 માં આ માર્કેટ 22 થી 25 ટકાનાં દરે વધવાની ધારણા છે. આ વેચાણમાં કદાચ મોટો હિસ્સો ઇલેક્ટ્રિક વાહનોનો હશે. કારણ કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવાનો ભારત સરકારનો રોડ મેપ- 2030 તૈયાર થઇ ગયો છે.
હીરો કંપનીએ તો પોતાના સૌ પ્રથમ એક્સપોર્ટ ઓર્ડરનીયુરોપના બજારમાં ડિલીવરી પણ કરી દીધી હોવાના અહેવાલ છે. સૌથી મહત્વની વાત તો એછે કે સરકારે FAME-2 સ્કીમને 2022 ના સ્થાને 2024 સુધી લંબાવવાની ભલામણને સરકારે સ્વીકારી લધિી છે. સરકારે અન્ય વિભાગોમાંથી આવેલી અન્ય ભલામણો સાંભળીને કાયદાઓમાં જરૂરી સુધારો પણ કરી દીધો છે. બાકી હોય તો ટુ-વ્હિલર માટે જે 10,000 રૂપિયાની રાહત હતી તે વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે.
થ્રી-વ્હિલર સામાન્ય રીતે પબ્લિક ટ્રાન્સ્પોર્ટ કે ગુડ્ઝની ડિલીવરી માટે વપરાતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને નજીકનાં ભવિષ્યમાં ત્રણ લાખ થ્રી-વ્હિલર તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત 40 લાખ થી વધારેની વસ્તી ધરાવતા શહેરોમાં ઇલેકટ્રિક સીટી બસો માર્ગો ઉપર ઉતારવામાં આવશે. સરકારે બેટરીનાં ઉત્પાદન માટે ઇન્સેન્ટિવ સ્કીમ માટે 18100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હવે આગામી દિવસોમાં બેટરીના ઉત્પાદનમાં નવું 45000 કરોડ રૂપિયાનું મુડી રોકાણ આવવાની સંભાવના છે. વળી સરકારે ઇ-વાહન માટે જી.એસ.ટી પાંચ ટકા કર્યો છે. જે અન્ય વાહનો માટે 28 ટકા જેટલો ઉંચો છે.
અહીં ખાસ જોગવાઇ એવી છે કે બેટરી ઉત્પાદનની પરવાનગી જે કંપનીને આપવામાં આવશે તેને નિશ્ચત સમય મર્યાદામાં પ્રપોઝલ મંજૂર કરાવવાની રહેશે નહીતર પેનલ્ટી લાગશે. આ પેનલ્ટીની જોગવાઇ કામમાં થનારા વિલંબને અટકાવશે અને સરકાર નક્કી કરેલા લક્ષ્યાંકમાં કામ પુરાં કરી શકશે. બસ હવે ગાડી છેલ્લા ગિયરમાં પડવાની જાણે રાહ જોવાઇ રહી છે. આગામી દિવસોમાં મુંબઇ તથા પુણેમાં ઇલેક્ટ્રિક સીટી બસો હાલની બસોનું સ્થાન લઇ લેશે.
અત્રે ખાસ નોંધનીય છે કે 2020-21 માં ભારતમાં ઇલેકટ્રિક વ્હિકલના વેચાણમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. આમતો ટુ-વ્હિલરનું વેચાણ છ ટકા ઘટ્યું છૈ પણ ફોર વ્હિલરનું વેચાણ 53 ટકા જેટલું વધીને 3000 વાળું વધીને 4588 થયું હતું. આગામી દિવસોમાં કદાચ સરકારી વાહનો ઇલેક્ટ્રિક જ દોડાવવાની જાહેરાત થઇ શકે છે. કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્ય સરકારોએ પણ પોતપોતાની રીતે સ્કીમ જાહેર કરી છે.અત્રે ખાસ નોંધનીય છે કે દિલ્હી-મુંબઇ તથા હેદરાબાદ અને અમદાવાદ જેવા શહેરો પ્રદુષિત થઇ રહ્યા છે.
ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્ષ-2020 માં ભારતનો નંબર ટોપ-5 દેશોની યાદીમાં આવી ગયો છૈ જે વધતા પ્રદૂષણની ચાડી ખાય છે. જો આંકડા ધારણા પ્રમાણે સાચા પડે અને ઇ-વાહનોનું વેચાણ 25 ટકાનાં દરે વધે તો ભારતની ક્રુડતેલની આયાત માં 2030 ના વર્ષ સુધીમાં 60 અબજ ડોલરનો ઘટાડો થઇ શકે છે. જો ઇ-કાર 1.10 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે દોડી શકતી હોય તો ઇ-કારથી 5000 કિલો મીટરનાં અંતરે વાહનચાલકને 20,000 રૂપિયાનો ફાયદો થાય છે. સરવાળે આ બચતના કારણે દેશના જી.ડી.પીને ત્રણ ટકા સુધીનો લાભ થઇ શકે છે.
EV સેક્ટરમાં અત્યાર સુધી બ્રાન્ડ પણ બહુ અસર કરતી હતી. પણ હવે મહિન્દ્રા અને મારૂતિ જેવી સ્થાનિક ઉપરાંત ફોર્ડ, ટેસ્લા, શેવરોલેટ અને ઓડી જેવી વૈશ્ર્વિક કંપનીઓ પણ મોટા પાયે રોકાણ કરવાનાં આયોજન કરી રહી છે. જે સાફ સંકેત આપે છે કે આ સેકટરનો સુર્યોદય થઇ રહ્યો છે. ટેસ્લાની જ વાત કરીએ તો હાલ માં કંપની વર્ષે 50,000 ઇલેક્ટ્રીક કાર વેચે છે જે સાલ 2020 સુધીમાં પાંચ લાખ વેચવાનુ લક્ષ્ય ધરાવે છે.ભારત જ નહી વિશ્વનાં ઘણા દેશો હવે ઇ-વાહનો તરફ વળી રહ્યા છે.
સાલ-2025 થી નેધર્લેન્ડમાં માત્ર ઇલેક્ટ્રીક કારનું વેચાણ જ થઇ શકશે. ડચ સરકારે માર્ચ-2016માં આ નિર્ણય કર્યો છે. મતલબ કે આગામી દાયકામાં નેધર્લેન્ડમાં પેટ્રોલ પંપોની હાલત આજની આપણી પોસ્ટ ઓફિસની લાલ રંગની પેટી જેવી થઇ જશે. હવે વિચારો કે શું આપણા ભારતમાં આવું થઇ શકે? અને જો થાય તો દેશના પર્યાવરણ અને ઇકોનોમીને કેટલો ફાયદો થાય..!