એસ.પી.ના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર સમગ્ર વિવાદ અંગે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ મામલે સરકારમાં અહેવાલ રજૂ કરશે

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલા ગોંડલ અને રીબડા પંથકના વિવાદ મામલે રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર પાસેથી ખાસ રિપોર્ટ માંગ્યો છે. જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અંગે સરકારમાં પોતાનો અહેવાલ રજૂ કરવાના છે.

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂદ્વસિંહ જાડેજા વચ્ચે વિધાનસભા ચૂંટણી વખતથી જ વિવાદ જામ્યો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લેતાં અધિકારીઓ દોડતા થયાં હતાં. અનેક વખત બંને જૂથો સામસામા પણ આવ્યાની ચર્ચા થઇ હતી. ક્ષત્રિય સમાજના આ બે મોટા આગેવાનો વચ્ચેની માથાકૂટ સમય જતાં વધુ ગંભીર બની રહી છે. અગાઉ અનેક આગેવાનોએ મધ્યસ્થીના પ્રયાસો હાથ ધર્યા હતાં. પરંતુ આ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતાં.

છેલ્લાં ઘણા સમયથી રીબડા અને ગોંડલ જૂથનો આ વિવાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. સરકાર પણ આ વિવાદને લઇને હરકતમાં આવી હતી. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને લો એન્ડ ઓર્ડરની સ્થિતિનો રિપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે સરકાર તરફથી રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેની માથાકૂટ સબબ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અંગે અહેવાલ તૈયાર કરીને જમા કરાવવાનું જણાવાયું છે. જિલ્લા પોલીસ વડા રિપોર્ટ આપશે ત્યારબાદ તેઓ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અંગેનો રિપોર્ટ સરકારમાં જમા કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.