ભારત સરકારે 2015થી 2022 ની વચ્ચે હજારો વેબસાઇટ્સ અને પોસ્ટ્સ પર તવાઈ બોલાવી છે. ત્યારે આ સાત વર્ષના સમયગાળા દરમિયાન 55,580 વેબસાઈટને બ્લોક કરી દેવામાં આવી છે, તેમજ કેટલી પોસ્ટ પણ ડિલિટ કરી દેવામાં આવી છે.
કાયદાનું ઉલ્લંઘન પ્લેટફોર્મ ઉપર સરકારની ડિજિટલ સ્ટ્રાઇક :
છેલ્લા બે વર્ષમાં 274 મોબાઈલ એપ્સ પણ બંધ કરાઈ
સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર અનુસાર આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પોર્નોગ્રાફી સહિત જાતીય સતામણી કરતી અનેક સોશિયલ મીડિયા સાઈટને બંધ કરી દીધી છે. આ સાથે કેટલીક મોબાઈલ એપ્સ પણ બંધ કરી દેવામાં આવી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 7 વર્ષ દરમિયાન ભારત સરકારે 55,580 વેબસાઈટ, સોશિયલ મીડિયા પોસ્ટ અને એકાઉન્ટ બ્લોક કર્યા છે. મોટાભાગની વેબસાઈટ આઈટી એક્ટની કલમ 69એ હેઠળ બંધ કરવામાં આવી છે. જેમાં આઇટી એક્ટની કલમ 69એ હેઠળ 26,474 યુઆરએલ (47.6 ટકા) બ્લોક કરવામાં આવ્યા હતા.જ્યારે 46.8 ટકા વેબસાઈટ કોપીરાઈટ ઉલ્લંઘન અને અન્ય મામલાઓમાં બંધ કરવામાં આવી છે. પોર્નોગ્રાફી અને બાળ જાતીય શોષણને કારણે અન્ય વેબસાઇટ્સ બંધ કરવામાં આવી હતી. એમઇઆઈટીવાયએ 26,352 વેબસાઈટ બ્લોક કરી છે જ્યારે એમઆઇબીએ 94 વેબસાઈટ બ્લોક કરી છે.
એમઇઆઇટીવાયએ છેલ્લા બે વર્ષમાં 274 મોબાઈલ એપ્સ પણ બંધ કરી છે. આ એપ્સ પણ આઇટીની કલમ 69એ હેઠળ બંધ કરવામાં આવી હતી. આ એપ્સને બ્લોક કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ યુઝર્સના ડેટાની ચોરી કરીને તેને દેશની બહારના સર્વર પર મોકલતા હતા. આ વેબસાઇટ્સને બ્લોક કરવા માટેનું ત્રીજું મોટું કારણ સીએસએએમ અથવા બાળ જાતીય શોષણ સામગ્રી અને પોર્નોગ્રાફી છે.
તેના આધારે 2015 થી 2022 વચ્ચે 1065 વેબસાઈટ બ્લોક કરવામાં આવી હતી. કલમ 69એ હેઠળ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સંરક્ષણ, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી એપ્સ અથવા વેબસાઇટ્સને બ્લોક કરવામાં આવે છે.