રસીની પ્રથમ ખેપ ગુરૂવારે સાંજે પુણેથી દિલ્હી પહોંચવાની હતી પરંતુ અંતિમ ઘડીએ સરકારે નિર્ણય બદલતાં હવે, આજે પહોંચશે
રસીના ટ્રાન્સપોટેશન માટે ૧૫ કેન્દ્ર, ૪૦ ફ્લાઈટ તૈયાર
કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો મથામણ કરી રહ્યા છે.વિશ્ર્વ આખુ કોરોનાને નાથવા રઘવાયું બન્યું હોય તેમ, પ્રયાસોમાં જુટાયું છે. અમેરિકા, રશીયા, ઈઝરાયલ, બ્રિટન અને આરબ દેશોમાં રસીકરણ ઝુંબેશ શરૂ પણ થઈ ગઈ છે. ત્યારે હવે, આગામી ટુંક જ સમયમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ માટેની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાના મસમોટા બણગા વચ્ચે એક આશ્ર્ચર્યજનક ઘટસ્ફોટ થયો છે.
રસીના ડોઝ માટે સરકારે હજુ ઓફિશ્યલી ઓર્ડર જ ન કર્યો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે સાંજે પૂના એરપોર્ટ પર રસીનો જથ્થો પહોચાડવાનો હતો પરંતુ સરકારે છેલ્લી ઘડીએ લીલીઝંડી ન ફરકાવતા ‘વેકિસનેશન’ની ઉડાન ભરાઈ ન હતી.
જણાવી જઈએ કે, ગઈકાલે સાંજે રસીનો પ્રથમ જથ્થો, પૂણે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોચવાનો હતો આ માટે દેશમાં ૧૫ કેન્દ્રો તેમજ ૪૦ ફલાઈટ સહિતની તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી તમામ સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો. પરંતુ છેલ્લે હવાઈ મંત્રાલયે કોઈ ચોકકસ કારણ જણાવ્યા વગર રસીનો પ્રથમ જથ્થો આજે (ગુરૂવારે) પહોચશે નહિ તેમ જણાવ્યું. આ અંગે પૂણે એરપોર્ટ એડવાઈઝરી કમીટીના સભ્ય ગીરીશ બાપતે જણાવ્યું કે, કોઈ કારણોસર ગુરૂવારના રોજ રસીની પ્રથમ ખેપ એરપોર્ટ પર પહોચી શકી નથી. પરંતુ હવે, શુક્રવારે પહોચાડવાનું મંત્રાલય તરફથી જણાવાયું છે. જે પૂણેથી દિલ્હી એરપોર્ટ પર લઈ જવાશે અને ત્યારબાદ રસીનાં સંગ્રહ માટે મુખ્ય ચાર સ્થળો કર્નાલ, મુંબઈ, ચેન્નઈ, અને કોલકાતામાં પહોચાડાશે.