ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન સરકારે માહિતી આપી છે કે છેલ્લા એક વર્ષમાં 17308.26 લાખના વીજબિલો માફ કરાયા છે. રાજ્ય સરકારે વીજચોરી કરનારાઓની ચોરી માફ કરી હોવાની કબૂલાત કરતા જણાવ્યું છે કે, વીજચોરીની કલમ 126 અને 135 હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીના બિલો માફ કરવામાં આવ્યા છે.
કોમર્શિયલ, જનરલ લાઇટિંગ, કૃષિ વોટર વર્કર્સ અને ઔદ્યોગિક હેતુ માટે વીજ જોડાણ ધરાવતા લોકોના બિલો માફ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.
51 ઔદ્યોગિક એકમાં પાસેથી રૂ. 464.63 લાખ વસૂલવાના બાકી
સરકારના કહેવા પ્રમાણે અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 51 ઔદ્યોગિક એકમો પાસેથી વીજ બિલ પેટે રૂ. 464.63 લાખ વસૂલવાના બાકી છે. આ મામલે વીજ કંપનીએ તમામ ઔદ્યોગિક એકમોને લીગલ નોટિસ પાઠવી છે. નોટિસના 15 દિવસમાં વીજ બિલ ન ભરે તેવા તમામ ઔદ્યોગિક એકમોનાં વીજ જોડાણો કાપી નાખવામાં આવશે.
ચાર થર્મલ પાવર યુનિટ બંધ કરાયા
સરકારે માહિતી આપી હતી કે 480 મેગાવોટના ચાર થર્મલ પાવર યુનિટ છેલ્લા બે વર્ષમાં બંધ કરાયા છે. કાર્યકાળ પૂરો થયો હોવાથી આ યુનિટોને બંધ કરાયા છે. વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, ઉકાઇ થર્મલ પાવરના બે અને સિક્કા થર્મલ પાવરના બે-બે યુનિટ બંધ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર હસ્તકના વીજ ઉત્પાદન મથકોની કુલ ઉત્પાદન ક્ષમતા 8121.53 મેગાવોટ છે. તેમજ થર્મલ પાવર યુનિટ બંધ થવાથી રાજ્યની વીજ પુરવઠા પર કોઈ અસર પડશે નહીં. આ મામલે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ ગૃહમાં પ્રશ્નો પૂછ્યો હતો.