જો સરકાર કરભારણ ઘટાડે તો ૩૦ હજાર કરોડનો ફટકો પડી શકે!
પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વધારાને પગલે ભારત બંધનું એલાન હતું જોકે, સરકાર પણ આવક તુટી જવાના ડરથી પેટ્રોલ-ડીઝલમાં કર ભારણ ઘટાડી શકતી નથી. ગઈકાલે નાનામાં નાનો વિપક્ષ પણ કોંગ્રેસની સાથે મળી ભારત બંધમાં જોડાયું હતું. આંધપ્રદેશ અને રાજસ્થાનમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વેટ નાખતા ભાવ આસમાને ચડી ગયા છે.
જેના પગલે સરકાર સામે બંધ પાળી લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. એક તરફ સરકાર તેની યોજનાઓ દ્વારા લોકોને આકર્ષી રહી છે તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભાજપે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પાછળ વૈશ્વીક પરીબળોને જવાબદાર ગણાવ્યા છે.
આ અંગે કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે આ મુદાને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ વૈશ્વીક સ્તરે ફયુઅલના ભાવ વધતા દેશમાં ફયુઅલના ભાવ વધે છે. સરકારે પેટ્રોલ-ડીઝલ પર એકસાઈઝ ડયુટીમાં કાપ મુકવાની તરફેણમાં નથી એવું વિપક્ષોનું માનવું છે.
જોકે, સરકારી અધિકારીઓએ એવું સુચન કર્યું હતું કે, કેન્દ્ર સરકાર કરભારણ ઘટાડે તો લિટર દીઠ રૂ.૨ના ઘટાડાથી રૂ.૨૮૦૦૦ કરોડથી ૩૦,૦૦૦ કરોડ સુધીનો ફટકો પડશે અને માટે જ કેટલાક રાજયોમાં વેટ ઘટાડો કરી શકાતો નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયોમાં એકત્રિત કરના ૪૦ ટકાથી વધુ રકમ ભરીએ છીએ. જો પેટ્રોલ-ડીઝલના કરભારણ ઘટાડવામાં આવે તો આવક પણ ઓછી થઈ જાય.
એક તરફ રૂપિયો તુટી રહ્યો છે અને વૈશ્વીક ફુડના ભાવને કારણે ઈંધણના ભાવ પણ આસમાને છે. દિલ્હી સહિતના તમામ મેટ્રો શહેરો અને મોટાભાગના રાજયોની રાજધાનીમાં પેટ્રોલ ૮૦ રૂપિયાને પાર છે જયારે ડીઝલ ૭૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે.
ઉલ્લેખનીય છે કે આ મુદાને ધ્યાનમાં રાખી પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ભાજપના વડા અમિત શાહને મળ્યા હતા અને આ મુદ્દા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સરકાર એવું માને છે કે ઉંચા આંતરરાષ્ટ્રીય ફુડ ઓઈલના ભાવ સાથે નબળો રૂપિયો રાજકોષીય ખાદ્ય તેમજ ચાલુ ખાતાની ખાધને અસર કરી શકે છે માટે આવક તુટી જવાના ડરથી સરકાર પેટ્રોલ-ડીઝલમાં કર ભારણ ઘટાડી શકતી નથી.