અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે ખુશખબર આવ્યા છે. અમેરિકાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી H-1B વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી છે. H-1B વિઝા અમેરિકન કંપનીઓને વિશેષ કામગીરી માટે વિદેશી ટેકનિકલ નિષ્ણાતોને નોકરી પર રાખવા સક્ષમ બનાવે છે. જે લોકોએ H-1B વિઝાની અરજી પહેલા કરી હતી અને તે ના મંજુર કરવામાં આવી હતી, તે લોકો હવે ફરી અરજી કરી શકશે.
ફેડરલ એજન્સીના જણાવ્યા મુજબ ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં સૌથી વધુ માગ ધરાવતા આ નોન-ઈમિગ્રન્ટ વિઝાની અરજી પ્રારંભિક રજિસ્ટ્રેશન સમયના આધારે રદ કરાઈ હોય તેવા વ્યાવસાયિકોને જ ફરીથી H-1B વિઝા અરજી કરવા મંજૂરી આપવામાં આવી છે. યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસના જણાવ્યા મુજબ, ‘જે વ્યાવસાયિકોની અરજીઓ 1લી ઓક્ટોબર 2020 પછી રજૂ થવાના કારણે રદ કરાઈ હોય તેવા વિદેશી વ્યાવસાયિકોને જ ફરીથી અરજી કરવા મંજૂરી અપાઈ છે.’
યુએસસીઆઈએસે કહ્યું કે, ‘અમે ઓગસ્ટ 2020માં અનામતમાં રાખેલ વધારાના રજિસ્ટ્રેશન પસંદ કર્યા હતા. ઓગસ્ટ 2020માં પસંદ કરાયેલા રજિસ્ટ્રેશન માટે ફાઈલિંગ સમય 16, નવેમ્બર, 2020ના રોજ પૂરો થયો હતો. કેટલાક અરજદારોએ 1લી ઑક્ટોબર 2020 પછી અરજી કરી હતી, જેને પ્રારંભિક રજિસ્ટ્રેશન સમય દરમિયાન રજૂ કરાયેલી હોવાના આધારે રદ કરાઈ હતી.
આ વ્યાવસાયિકોએ 1લી ઓક્ટોબર 2021 પહેલાં ફરીથી અરજી કરવાની રહેશે. તેમની અરજીઓ યોગ્ય રીતે રજૂ કરાશે તો અમે અસલ રિસિપ્ટ તારીખે અરજી દાખલ કરાઈ હોવાનું ધ્યાનમાં લઈશું. અમેરિકામાં ટેક્નોલોજી કંપનીઓ H-1B વિઝાના આધારે ભારત અને ચીન જેવા દેશોમાંથી પ્રત્યેક વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે.
વર્ષ 2020માં યુએસસીઆઈએસે H-1B કેપ માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા અમલમાં મૂકી હતી. H-1B અરજીની મર્યાદાને આધિન સંભવિત અરજદારોએ પહેલાં તેમની અરજી ઈલેક્ટ્રોનિકલી રજિસ્ટર કરાવેલી હોવી જોઈશે, અને પ્રત્યેક લાભાર્થીએ 10 યુએસ ડોલરની H-1B રજિસ્ટ્રેશન ફી ભરેલી હોવી જોઈએ.