૧લી સપ્ટેમબરે રિકવરી રેટ ૫૧ ટકા હતો જે આજે વધીને ૬૭.૫૦ ટકાએ પહોંચ્યો: પોઝિટિવીટી રેટમાં પણ ઘટાડો નોંધાયો
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તો બીજી તરફ સારા સમાચાર એ પણ મળી રહ્યાં છે કે, કોરોનાથી સાચા થનારા લોકોની ટકાવારીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક પખવાડિયા દરમિયાન શહેરમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ૧૬ ટકાથી પણ વધુનો વધારો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એક સારી નિશાની એ પણ છે કે, ટેસ્ટીંગ વધારવામાં આવ્યું હોવા છતાં પોઝિટિવીટી રેટમાં ઘટાડો નોંધાયો છે. આજે બપોર સુધીમાં કોરોના પોઝિટિવના ૪૨ કેસો મળી આવ્યા હતા.ગત ૧લી સપ્ટેમબરે શહેરમાં કોરોનાને મહાત આપી સાજા થનાર દર્દીઓની સંખ્યા એટલે કે, રિકવરી રેટની ટકાવારી ૫૧.૦૮ ટકા જેટલી હતી અને પોઝિટિવીટી રેટ ૪.૯૨ ટકા જેવો હતો. દરમિયાન છેલ્લા એક પખવાડિયામાં પોઝિટિવીટી રેટમાં ઘટાડો થયો છે અને રિકવરી રેટમાં વધારો નોંધાયો છે જે એક સારી નિશાની ગણી શકાય. આજ સુધીમાં કોરોનાને મહાત આપી સાજા થનાર દર્દીઓની સંખ્યા એટલે કે રિકવરી રેટની ટકાવારી ૬૭.૫૦ ટકાએ પહોંચી છે. પ્રતિદિન રિકવરી રેટમાં સુધારો નોંધાઈ રહ્યો છે. ગત ૧લી સપ્ટેમબર શહેરમાં કુલ ૬૫૩૩૪ ટેસ્ટ કરાયા હતા. જેમાં પોઝિટિવીટી રેટની ટકાવારી ૪.૯૨ ટકા નોંધાઈ હતી. દરમિયાન આજ સુધીમાં ૧,૪૩,૨૪૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને પોઝિટિવીટી રેટની ટકાવારી ૩.૨૩ ટકા નોંધાઈ છે. એટલે કે, પોઝિટિવ આવતા દર્દીની સંખ્યામાં પણ ૧.૫ ટકાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે જે રાજકોટ માટે સારી નિશાની છે.
ગઈકાલે દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ ૯૪ કેસો નોંધાયા બાદ કાલે સાંજે ૫ વાગ્યા થી લઈ આજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના વધુ ૪૨ પોઝિટિવ કેસો નોંધાયા છે. આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૪૬૭૪ એ પહોંચ્યો છે. જેમાં ૩૧૨૭ લોકો કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યાં છે.
આમ કોરોનાની વર્તમાન જે સ્થિતિ છે જેના કારણે લોકોમાં જે હાઉ ઉભો યો છે. તેમાં એક રાહતરૂપી સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયી કોરોનાના કારણે જાણે ફફડાટ ફેલાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પણ આંકડાકીય સર્વે બાદ હાલની સ્તિી પહેલા કરતા સારી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક પખવાડીયામાં સ્થિતિ સુધરી છે. કોરોનાના રિકવરી રેટમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો છે. જે હાલની સ્થિતિમાં રાહતરૂપ સમાચાર કહી શકાય.