સિક્સલેન ફ્લાયઓવરના નિર્માણ કાર્ય માટે
ભારે વાહનોને કોરાટ ચોકથી ઘંટેશ્વર સુધીના રિંગ રોડ-2 પરથી તેમજ ટુ-વ્હીલર તથા થ્રી વ્હીલર વાહનોને ખોડિયાર પોલીસ ચોકીની બાજુથી પસાર થતા પુનિતનગર મેઈન રોડથી પસાર થવા આદેશ : જિલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ
અંદાજે રૂ. 90 કરોડના ખર્ચે સવા કિમીનો સિકસ લેન એલિવેટેડ ફ્લાય ઓવર બનશે : ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ
રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ સિક્સલેન ફ્લાયઓવર બનાવવા માટે ગોંડલ ચોકડીનો રોડ રવિવારથી બંધ કરવામાં આવનાર છે. આ રોડ એક વર્ષ સુધી બંધ રાખવામાં આવનાર છે. આ માટે વાહનોને બે રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે. આ માટે સાંજે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળવાની છે. સાથે સતાવર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં વસ્તી અને વિસ્તારોમાં સતત થતા રહેતા વધારાના પગલે રાજમાર્ગો પર ટ્રાફિકનું સતત ભારણ વધી રહ્યું છે. જેમાં ગોંડલ રોડની ટ્રાફિક સમસ્યા સતત વકરી રહી છે. આ સંજોગોમાં શહેરની ગોંડલ ચોકડી પર ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેની સાથોસાથ લોકોની સુવિધામાં વધારો થાય તે માટે એલીવેટેડ ફલાય ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે.
ગોંડલ ચોકડી પર નિર્માણ થનારા આ એલીવેટેડ ફલાય ઓવરબ્રીજની ડીઝાઈન તૈયાર થઈ ગઈ છે. અંદાજે 90 કરોડના ખર્ચે 1.20 કિમીનો સિક્સલેન ફ્લાયઓવર તૈયાર થવાનો છે. આ કામગીરી નેશનલ હાઇવે ઓથીરિટી દ્વારા કરવામાં આવી રહી છે. આ ફ્લાય ઓવરનું કામ શરૂ કરવા માટે ગોંડલ ચોકડીનો રોડ ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે.આ રોડ અંદાજે એક વર્ષ સુધી બંધ રહેશે.
ગોંડલ ચોકડી રોડ અત્યંત ધમધમતો રહેતો હોય હવે એક વર્ષ સુધી ત્યાંના વાહનોને બીજા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવનાર છે. આ માટે બે રસ્તા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ભારે વાહનોને કોરાટ ચોકથી ઘંટેશ્વર સુધીના રિંગ રોડ-2 પરથી તેમજ ટુ-વહીલર તથા થ્રિ વહીલર વાહનોને ખોડિયાર પોલીસ ચોકીની બાજુથી પસાર થતા પુનિતનગર મેઈન રોડથી પસાર થવા આદેશ આપવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ બપોરના સમયે સતાવર જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. જેની અમલવારી તા.10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી રહેશે તેમ જણાવાયું છે. વધુમાં ટ્રાફિક નિયંત્રણ રહે તે માટે ભારે અને હળવા બન્ને વાહનો માટે અલગ અલગ રોડ નક્કી કરવામાં આવ્યા છે. વધુમાં પોલીસ અને ઇમરજન્સી વાહનોને બન્ને રસ્તે છૂટ આપવામાં આવી છે. આ રસ્તાઓ ઉપર લગત દિશા સૂચક સાઇન બોર્ડ લગાવવા નેશનલ હાઇવે ઓથોરિટીને સૂચના પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ એલીવેટેડ બ્રીજનું નિર્માણ થતા નગરજનોની સુવિધામાં વધારો થશે તેની સાથોસાથ ટ્રાફિક સમસ્યામાં પણ રાહત થશે.
આ બ્રીજનું નિર્માણ થતા ટ્રાફિક ડાયવર્ટ કરવો પડશે. આ માટે આજે સાંજે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોની બેઠક પણ મળનાર છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી ખાતે આ સિક્સ લેન ફ્લાય ઓવર બ્રિજના કામનુ ખાતમુહૂર્ત કર્યું હતું. આ ફ્લાય ઓવર બ્રિજ બનતા ગોંડલ ચોકડી ખાતે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે તેમ તેઓએ ત્યારે કહ્યું હતું.