પશ્ચિમ રેલ્વેના ૭૦માં સ્થાપ્નાદિનની રાજકોટ ડિવિઝન ખાતે ઉજવણી
પશ્ચિમ રેલ સેવાને આજે ૭૦ વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિતે રાજકોટમાં ગઇકાલે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેલવે કેમ્પસ ખાતે ડી.આર.એમ. પરમેશ્ર્વર ફુંકવાલની આગેવાનીમાં ૧પ વૃક્ષોનું વાવેતર કરીને ઉજવણી કરવામાં આવી હતી. ૭૦ વર્ષ પૂર્ણ થવા નિમિતે રાજકોટ રેલવે સ્ટેશન પર ઓડીયો અને વિડીયો દ્વારા સ્લોગન રજુ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
રાજકોટ રેલ્વે વિભાગ પશ્ચિમ રેલ્વેના ૭૦ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે તેના સમૃદ્ધ ઇતિહાસ અને ગૌરવપૂર્ણ વારસાને સંપૂર્ણ ઉત્સાહ અને ઉજવણી સાથે ઉજવી રહ્યો છે.
વધુ માહિતી આપતાં રાજકોટ ડીવીઝનના સિનિયર ડીસીએમ ડી.સી. અભિનવ જેફે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલ્વેના ગૌરવપૂર્ણ ભૂતકાળ અને ૭૦ માં સ્થાપના દિન નિમિત્તે વિભાગના મહત્વપૂર્ણ સ્ટેશનો પર મુસાફરોની માહિતી માટે ટૂંકા વીડિયો અને ઓડિયો સંદેશાઓ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા સ્ટેશનો પર, ડિવિઝન ઓફિસ રાજકોટની ઇમારતો અને હેરિટેજ લોકોમોટિવ લોકોમોટિવ્સને સુંદર લાઇટથી શણગારવામાં આવી છે. રાજકોટ વિભાગીય રેલ્વે મેનેજર, પરમેશ્વર ફનકવાલ, એડીઆરએમ, ગોવિંદપ્રસાદ સૈની અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રાજકોટના સત્તાવાર રેસ્ટ હાઉસ ખાતે વૃક્ષારોપણ પણ કરાયું હતું. સ્થાપના દિન નિમિત્તે રાજકોટ વિભાગના ઓખા-મોડપુર, કાણલુઇસ-ખંડેરી, ભક્તિનગર-વાંકાનેર-મોરબી અને લખતર-વાની માર્ગ વિભાગમાં ગૃહસંભાળ અને સફાઇ કર્મચારીઓને ફેસ માસ્કનું વિતરણ કરાયું હતું. કર્મચારીઓ અને અધિકારીઓ માટે ઓનલાઇન સ્લોગન રાઇટિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાપના દિનની ઉજવણીની બીજી એક રસપ્રદ રીતમાં, પશ્ચિમ રેલ્વેના તમામ કર્મચારીઓના સત્તાવાર મોબાઇલ નંબરો પર એક કોલર ટ્યુન “ધડક-ધડક વગાડવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલ્વેના ૭૦ માં સ્થાપના દિન નિમિત્તે રાજકોટ વિભાગીય રેલ્વે મેનેજર પરમેશ્વર ફૂંકવાલે તમામ રેલ્વે વપરાશકારો અને રેલ્વે પરિવારોને શુભકામનાઓ પાઠવી છે.
ગ્રાહકોને સમયસર માલ મળતો હોવાના કારણે પાર્સલ ટ્રેનમાં સૌથી વધુ વૃધ્ધિ થઈ છે: પરમેશ્ર્વર ફૂંકવાલ
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ રેલવે ડિવિઝન ડીઆરએમ પરમેશ્ર્વર ફૂંકવાલએ જણાવ્યું હતુ કે પશ્ર્ચિમ રેલવે માટે આજે ઐતિહાસીક દિવસ છે આજે ૭૦ વર્ષ પૂર્ણ થયા છે. અમે લોકો ખૂબજ ઉત્સાહીત છીએ. જે ૭૦ વર્ષ પહેલા પરંપરા શરૂ થઈ હતી તેને આજે ૭૦ વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત અમે આજે વૃક્ષારોપણ કરેલ અને સફાઈ કર્મચારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત સ્ટેશનના તમામ બિલ્ડીંગ પર રોશની કરવામાં આવી છે. આજે સાંજે પશ્ર્ચિમ રેલવેનાં મહાબંધક વર્ચ્યુલ માધ્યમથી અકે કાર્યક્રમ યોજશે. પશ્ર્ચિમ રેલવેનું એક મીશન છે કે યાત્રીઓને સારામાં સારી સુવિધાઓ પૂરી પાડીએ ૭૦ વર્ષનાં ઈતિહાસની વાત કરીએ તેમાં રાજકોટ મંડળની વાત કરૂ તો અહીયા મીટર ગેજ હતી. તેને બ્રોડગેજમાં ક્ધટવર્ટ કરવામાં આવી જૂની સીગ્નલ પધ્ધતી હતી ઈન્ટરલોક સિસ્ટમ જૂની હતી. તેના ઉપર ઝડપભેર કાર્ય કરવામાં આવે છે. વિરમગામથી દિગ્સર, સુરેન્દ્રનગરના દેહરીકરણનું કાર્ય પૂરૂ થયું છે. ઉપરાંત ઈલેકટ્રીફીકેશનના નકશા પર આવ્યું છે. રાજકોટ ડિવિઝન દ્વારા ડબલ સ્ટેક ક્ધટેનરને ઈલેકટ્રીફાઈડ લાઈન જે વાયર નીચે ચાલે છે. તે ચલાવવા માટે પ્રથમ ટ્રેન ૧૦ જૂન ૨૦૨૦ના રોજ ચાલુ થઈ. યાત્રીઓની સુવિધા માટે સ્ટેશન પર લીફટની સુવિધા ઉપલબ્ધ થઈ.
લોકડાઉનના સમયમાં બધુ બંધ હતુ ત્યારે અમારા રેલવે દ્વારા શ્રમીક સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી હતી પાર્સલ ટ્રેન માલગાડી ચાલુ જ હતી. તેના કારણે દેશમાં જરૂરીયાતની ચીજ વસ્તુની કમી નહોતી મહેસૂસ થઈ.
પાર્સલ ટ્રેનની ખાસીયત એ છે કે તે ટાઈમ ટેબલ ટ્રેન છે અમે અમારા ગ્રાહકોને તે જણાવીએ છીએ કે તમારો માલ જે સમયે મોકલો છો જે તે જગ્યાએ કયાં સમયે પહોચશે તેની જાણકારી આપીએ તેનું મોનીટરીંગ કરવામાં આવે છે. જે મીનીસ્ટ્રી લેવલ સુધી કરવામા આવે છે. જે સમયસર હોવાના કારણે ગ્રાહકોમાં વિશ્ર્વાસા આવ્યો છે કે સમયસર માલ પહોચે છે. તેથી પાર્સલ ટ્રેનમાં વધુમાં વધુ વૃધ્ધિ થઈ રહી છે. અમે નવા નવા ગ્રાહકોને જોડીએ છીએ અમે તેમને એવું પણ જણાવીએ કે વધુ માલ હોય તો સ્પેશ્યલ પાર્સલ ટ્રેન પણ ચલાવી શકીએ છીએ.