સુરતનો ડાયમંડ કટીંગ પોલીશીંગ ઉદ્યોગનો પર દબદબો વધુ નિખાર પામશે, ગુજરાતમાં પ્રાકૃતિક હિરા ઉદ્યોગની મુળભૂત વિરાસત વધુ ખીલી ઉઠશે
હિરા, જવેરાત, સોનુ, આભુષણો એ ભારત અને ખાસ કરીને ગુજરાતની એક આગવી સંસ્કૃતિ, વિરાસત અને શોખની સાથો સાથ રોકાણનું એક આદર્શ માધ્યમ બની રહેવા પામ્યું છે. ઈમિટેશન જવેલરીનો આ યુગ પૂર્વે ગુજરાતમાં કુદરતી મોતીઓનો ખજારો હતો. જામનગરના દરિયામાંથી છીપ માછલીઓ દ્વારા પેટમાં જ સેવવામાં આવતા હિરાનો ઉદ્યોગ ધમધમતો હતો. જામનગરના મહારાજ સાહેબને મોતીઓવાળા જામ કહેવામાં આવતા હતા. ત્યારબાદ વિદેશી હિરાઓની ઝગમગાટમાં પણ ગુજરાતમાં સુરતે વિશ્ર્વકક્ષાએ હિરા ઘસીને નામ કમાવ્યું હતું. હવે સુરતમાં ફરીથી લેબોરેટરીમાં તૈયાર થનારા હિરાનો યુગ આવી રહ્યો છે. સુરતમાં પ્રયોગ શાળામાં વિકસીત થતાં હિરાના એકમોની સ્થાપના માટે ઉદ્યોગપતિમાં અચાનક ઉત્સાહ ઉભો થયો છે.
ડયુટીમાં વધારાના કારણે હિરાની આયાતમાં ખોટ આવશે અને રાસાયણીક ધોરણે લેબોરેટરીમાં ઉત્પન્ન થતાં હિરાનું ચલણ વધશે. ગુજરાત માટે કહેવામાં આવે છે કે, પહેલેથી જ પ્રાકૃતિક હિરાનો ઉદ્યોગનો અનુભવ છે. કેમ કે લેબોરેટરીમાં નિર્માણ થનારા હિરા સસ્તા અને ભારતની સાથે સાથે વૈશ્ર્વિક બજારમાં પણ ડિમાન્ડેબલ બન્યા છે.
૧લી ફેબ્રુઆરીએ જાહેર થયેલા બજેટમાં રફ અને પાલિસ થયેલા હિરા પર ૧૫ ટકા જેટલી ડયુટીને ડબલ કરવામાં આવી છે. લેબોરેટરીમાં તૈયાર થનારા હિરાના કારખાના માટે આયાતી હિરા પરની આ ડયુટી અસરકારક બનશે. સુરતમાં કુદરતી હિરાઓમાં કટીંગ અને હિરા ઘસવા માટે પ્રાથમિક સુવિધાઓ મોજુદ છે. સુરતના રત્ન કલાકારો લેબોરેટરીમાં બનાવવામાં આવતા હિરા ઘસવા માટે પણ અનુભવ ધરાવે છે. જેમ એન્ડ જવેલરીના પ્રાદેશીક અધ્યક્ષ દિનેશ નવેદિયાનું કહેવાનું છે કે, સુરતનો આ નવો આકાર લેનાર ઉદ્યોગ અહીં સારી રીતે ફાલશે-ફુલશે. અત્યાર સુધી વિદેશમાંથી કાચા અને રફ હિરા મંગાવીને સુરતમાં તેને ચમકાવવામાં આવે છે. બજેટમાં કાચા હિરાના આયાત શુલ્કમાં વધારો થતાં હિરા આયાત કરવા મોંઘા પડશે. તેની સામે સુરતમાં જ લેબોરેટરીમાં તૈયાર થતાં હિરાઓની ડિમાન્ડ વધશે. હવે વિદેશી હિરાઓના બદલે સુરતમાં જ હિરા બનાવીને તેને પાલીસ કરવાનો આ ઉદ્યોગ સુરતને ખરા અર્થમાં સોનાની નહીં પણ હિરાની નગરી બનાવી દેશે.
અત્યારે ૫ હજારથી વધુ પ્રાકૃતિક હિરાના કટીંગ અને પોલીસના કારખાના ચાલી રહ્યાં છે અને તેમાં ૧૦૦ જેટલા લેબોરેટરીમાં હિરા બનાવવાના કારખાનાઓ ચાલી રહ્યાં છે. કોરોના કટોકટી બાદ ઉભી થયેલી પર્યાવરણની જાગૃતિ અને પ્રાકૃતિક હિરા અંગેની સમજણ શક્તિને લઈને નવવધૂઓ હવે કુદરતી હિરાના ઘરેણા તરફ વળી છે અને સામાન્ય હિરાની જગ્યાએ પ્રાકૃતિક હિરાની માંગ વધી છે. મોટાભાગના ઘરેણા બનાવનારા અને ખાસ કરીને લગ્ન પ્રસંગે વાપરવામાં આવતા નવવધૂના ઘરેણા અને ખાસ કરીને વીટીમાં હવે નેચરલ હિરાની ડિમાન્ડ ઉભી થઈ છે. લાઈમ લાઈટ ડાયમંડના સ્થાપન પૂજા શેઠ દ્વારા જણાવાયું હતું કે, ઈમ્પોર્ટ ડયૂટી વધતા હવે આયાતી હિરાની જગ્યાએ લેબોરેટરીમાં બનાવેલા સીવીડી હિરાઓની ડિમાન્ડ વધશે અને ચીન જેવા દેશોમાંથી કરવામાં આવતી આયાતની મજબૂરી ઘટશે. સરકારે સોના અને ચાંદીની આયાત ડયૂટી ૧૨.૫ માંથી ૭.૫ ટકા કરવામાં આવી છે અને આયાતી હિરાની ડ્યુટી વધારી છે. તેથી આવનાર ૨૦૨૧-૨૨ના વર્ષમાં સુરતમાં લેબોરેટરીમાં ઉત્પન્ન થતાં હિરાનું પ્રમાણ વધશે અને તે વેપાર ઉદ્યોગની સાથે સાથે નિકાસમાં પણ વિશ્ર્વના બજારો અંકે કરશે.
ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો વિશ્ર્વનો અગ્રણી દેશ માનવામાં આવે છે. જવેરાત અને હિરાનો ઉપયોગ અને માંગ દિન-પ્રતિદિન વધતી જાય છે ત્યારે લેબોરેટરીમાં બનતા હિરાના એકમોની સ્થાપનાથી સુરત વધુ ઝળહળી ઉઠશે.