એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાના મોઢા પર ઓસીકુ દાબી મોતને ઘાટ ઉતારી લુંટ ચલાવી
ગાંધીધામના ખોડિયાર નગરમાં થયેલી વૃદ્ધાના મોતની ઘટના લુંટ સાથે મર્ડરની હોવાની સ્પષ્ટતા થતા તેની ગંભીરતા વધી જવા પામી હતી. મૃતકના પુત્રોએ આ અંગે હત્યાની ફરિયાદ નોંધાવીને તેમની માતાને દાગીના પહેરવાનો શોખ હોવાથી તેના પર કોઈએ નજર બગાડીને લુંટ ચલાવીને ઓશીકા વડે શ્વાસ ગોંધી હત્યા નિપજાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે શંકાસ્પદ લોકોની પુછપરછ આરંભી રાઉન્ડઅપની કાર્યવાહી શરૂ કરી હતી.
ગાંધીધામના ખોડિયાર નગરમાં રહેતી સુંદરદેવી ઘીસાજી રેગર (ઉ.વ.૭૪)નો મૃતદેહની ઓરડીમાંથી મળી આવ્યો હતો. જેમનું પીએમ કરાવતા શ્વાસ રૂધવાથી મોત નિપજયાનું સ્પષ્ટ થતા આ અકસ્માત મોત નહિ પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું હતું.
દરમ્યાન મૃતકના પુત્ર રાજેશભાઈ ઘીસાજી ચોરોટીયા (રેગર)એ એ ડિવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર અજાણ્યા ઈસમોને રાત્રીના ભાગે ઘસી આવી મૃતક સુંદરદેવીને ઓશીકા વડે ગુંગળાવીને હત્યા નિપજાવી દઈ, તેમણે પહેરી રાખેલા કે મમાં રહેલા સોનાની અંગુઠી, કંદોરો, ઘુમર, પાયલ, કંઠી, ટીકો સહિતના અંદાજે ૩.૫૦ લાખના ઘરેણાની લુંટ ચલાવી હતી.
પોલીસે પહેલા જ ઘટનામાં જાણભેદુ હોવાની શંકા વ્યકત કરી હતી ત્યારે પીઆઈ ભાવીનભાઈ સુથારે જણાવ્યું હતું કે, અમે સંભવિત શંકાસ્પદ ઈસમોની પુછપરછ અને કોઈ ઓળખીતા વ્યકિતની નજર બગડી હોય તેવી સંભાવનાના આધારે તપાસ આદરીને આરોપીઓને પકડવા સંભવિત દરેક દિશામાં કાર્યવાહી આરંભી છે.