ગોલ્ડ એક્સચેન્જ સોનાનું સૌથી સુરક્ષિત રોકાણ બનશે: આ સુવિધા શેરબજારને તેજીનું બળ પૂરું પાડશે

અબતક, નવી દિલ્હી : ભારતીયોને સોનાનું ઘણું આકર્ષણ છે. ઘણા લોકો સોનામાં રોકાણ કરતા હોય છે. હાલમાં સોનામાં રોકાણ માટે કેટલાક વિકલ્પો છે.  સોનાના દાગીના, સિક્કા કે બિસ્કિટ ખરીદીને ઘરે કે લોકરમાં રાખી શકાય છે. આ ઉપરાંત ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરી શકાય છે. હવે તેમાં એક નવો વિકલ્પ ઉમેરાયો છે અને તે છે ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ. જેને તાજેતરમાં જ સેબીએ મંજૂરી આપી દીધી હતી. હવે સેબી તેના પ્લેટફોર્મ ઉપર આ સુવિધા શરૂ કરવા સજ્જ છે

સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની બેઠકમાં સ્પોટ ગોલ્ડ એક્સચેન્જને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે 2018-19ના બજેટમાં આની જાહેરાત પણ કરી હતી. જ્યારે 2021-22ના બજેટમાં સેબીએ તેના રેગ્યુલેટર બનાવવાની જાહેરાત કરી હતી.

સેબીની મંજૂરી બાદ હવે ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ શરૂ થશે. સરળ શબ્દોમાં કહીએ તો શેરની જેમ જ સોનું ખરીદી અને વેચી શકાશે. ગોલ્ડ એક્સચેન્જ પણ ઘણા ખરા અંશે સ્ટોક એક્સચેન્જની જેમ જ એક માર્ટેક તરીકે કામ કરશે. આ માર્કેટમાં લોકો સોનાની ખરીદી અને વેચાણ કરવા માટે ઓર્ડર આપી શકશે.

ખરીદનારાઓને ગોલ્ડ ઓર્ડરની ડિલિવરી કરવામાં આવશે. જેવી રીતે શેરબજારમાં શેર ખરીદ્યા બાદ તેને ડિમેટ એકાઉન્ટમાં આવતા 2 દિવસનો સમય લાગે છે તેવી જ રીતે ગોલ્ડ ખરીદનાર સુધી પહોંચવા માટે એક કે બે દિવસનો સમય લાગી શકે છે. જોકે, રોકાણકાર ફિઝિકલ ડિલિવરી નહીં લેવાનો નિર્ણય પણ કરી શકે છે અને બાદમાં નફો થાય ત્યારે વેચી શકે છે.

સેબી તેના પ્લેટફોર્મ ઉપર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટની સુવિધા શરૂ કરવા માટે સજ્જ બની છે. સેબીના મુખ્ય વ્યવસાય અધિકારી સમીર પાટીલે જણાવ્યું કે તેનાથી દેશભરમાં સોના માટે સમાન મૂલ્ય સ્થાપવા મદદ મળશે.આ પૂર્વે સેબીના નિર્દેશક મંડળને ગોલ્ડ એક્સચેન્જના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

ભારત દેશ દુનિયાનો બીજો સૌથી મોટો કંઝ્યુમર અને આયાતી દેશ છે. જેથી ગોલ્ડ એક્સચેન્જ શરૂ થવાથી અનેક ફાયદાઓ થશે. દરેક સમયે ગોલ્ડનું ખરીદ વેચાણ સેકન્ડોમાં થઇ શકશે. જેનાથી સોનાની સાચી કિંમતની પણ ખબર પડશે. હાલ તો દરેક શહેરોમાં સોનાની કિંમત અલગ અલગ હોય છે. સેબીના પ્લેટફોર્મ ઉપર જે કિંમત હશે તેને દેશભરના ભાવ પણ ગણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.