રાજ્યના ૧.૨૫ લાખ ખેડૂતોને સિંચાઇ માટે એક વર્ષમાં વિજ કનેક્શનો અપાશે,પાક વિમા માટે ૧૦૭૩ કરોડ; પાક ધિરાણ વ્યાજ સહાય માટે ૯૫૩ કરોડ ફાળવાયા: ૨.૦૪ લાખ કરોડના બજેટમાંથી સૌથી વધારે ૩૭ ટકા રકમ કૃષિ, ગ્રામ વિકાસ, પાણી સહિતની યોજનાઓ માટે ફાળવાયા
કૃષિ પ્રધાન ભારત દેશમાં જગતના તાત ગણાતા ખેડુતોની હાલત દાયકાઓથી દયનીય રહી છે. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા કમર કસી છે. જેના ભાગરૂપે ખેડુતોના કલ્યાણ માટે અનેક યોજનાઓનો અમલ શરૂ કર્યો છે. ગઈકાલે નાણામંત્રી નિતિન પટેલે રજૂ કરેલા રાજયના બજેટમાં પણ મોદી સરકારના આ લક્ષ્યાંકને આગળ વધારે તેવી અનેક ખેડુત લક્ષી યોજનાઓ જોવા મળી હતી. જેથી વડાપ્રધાન મોદીના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને તેમના ગૃહરાજય ગુજરાતની સરકાર દ્વારા અગ્રેસર રહીને તેને ટેકો આપતી અનેક યોજનાઓ શરૂ કરવાની ગઈકાલે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ગઈકાલથી શરૂ થયેલા બજેટ સત્રમાં નાણામંત્રી નિતિન પટેલ દ્વારા સતત સાતમી વખત રાજયનું બજેટ રજૂ કર્યુ હતુ. ૫૭૨ કરોડ રૂા.ની પુરાંતવાળા આ બજેટનું કદ ૨,૦૪,૮૧૪ કરોડ રૂા.નું રખાવામાં આવ્યું હતુ આ બજેટમાં સૌથી વધારે ૩૦ ટકા રકમ કૃષિ ગ્રામ વિકાસ, પાણી સહિતની યોજના માટે ફાળવવામાં આવી છે.જયારે ૨૨ ટકા રકમ પરિવહન, ઉદ્યોગ ઉર્જા, વિજ્ઞાન ક્ષેત્ર માટે, ૨૧ ટકા રકમ શિક્ષણ રમત ગમત કલા અને સંસ્કૃતિ ક્ષેત્ર માટે જયારે ૨૧ ટકા રકમ અન્ય યોજનાઓનાં પાછળના ખર્ચ માટે ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં ૧,૫૪,૭૩૧.૯૬ કરોડ રૂા.ની મહેસુલી આવક સામે ૧,૫૧,૮૫૭.૭૭ કરોડ રૂા.ની મહેસુલી ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.
આ બજેટમાં નિતિન પટેલે ૩૭ ટકા જેવી રકમ કૃષિ ગ્રામ્ય વિકાસ અને પાણી જેવા ક્ષેત્રો માટે ફાળવી છે. જેની, આ યોજનાઓ દ્વારા રાજય સરકાર રાજયનાં ખેડુતોનો સર્વાંગીં વિકાસ થાય તે માટે લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. ખેડુતો માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ખેતીની સિંચાઈ માટે વિજ જોડાણ આપવાની યોજના મહત્વપૂર્ણ મનાય રહી છે. રાજયમાં ખેતી માટે વિજ જોડાણ મેળવવા માટે ખેડુતો કરેલી ૧.૨૫ લાખ જેટલી અરજીઓ લાંબા સમયથી પડતર છે. જેથી આ બજેટમાં કૃષિ વિષયક વિજ કનેકશનો માટે પટેલે રૂા.૧૯૩૧ કરોડ ફાળવીને આ તમામ ૧.૨૫ લાખ ખેડુતોને આજથી એક વર્ષની અંદર વિજ કનેકશનો આપી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
સિંચાઈ માટે વિજ કનેકશનો મળવાથી રાજયના ખેડુતો પોતાના કુવાકે ભૂગર્ભમાંથી પાણી ખેંચીને વિવિધ ખેત ઉત્પાદનો મેળવી શકશે. ઉપરાંત, ખેડુતોને રાહતદરે વીજળી આપવા રૂા.૬૮૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જેથી ખેડુતોને સસ્તા દરે વિજળી પૂરી પાડવામાં આવશે. પાક વિમા નિધી સહિત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ ચાલુ વર્ષ રાજયના ૧૮ લાખ ખેડુતોને ૧૦૭૩ કરોડ રૂા.નું વિમા કવચ પૂરૂ પાડવામાં આવવાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ૨૯ હજાર ખેડુતોને ટ્રેકટર્સ તથા ૩૨ હજાર ખેડુતોને ખેત સાધનો આપવા માટે રૂા.૨૩૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. પાક વાર વાવેતર વિસ્તારના અંદાજો નિયમિત કરીને ચોકકસ આંકડાઓ મેળવવા સેટેલાઈટ ઈમેજ અને ડ્રોનથી ફોટોગ્રાફી સર્વે કરવામાં આવવાની જાહેરાત નિતિન પટેલે કરી છે.
રાજય સરકારના આ નિર્ણયથી પાક વિમો ઓછો મળતો હોવાની ખેડુતોની ફરિયાદોનું નિરાકરણ આવશે તથા ખેડુતોને તેનો પાક નિષ્ફળ જવાના કિસ્સાઓમાં પાક વિમાની યોગ્ય રકમ ચૂકવી શકાશે પાક વિમા સહિતની ખેડુતો લક્ષી યોજનાઓનાં અમલ માટે સરકારે આગામી ત્રણ વર્ષમાં ૨,૭૭૧ કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય પણ કર્યો છે ઉપરાંત ચાલુ વર્ષે રાજયના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. એટલે ખેડુતોને સિંચાઈ માટે પાણી પૂરૂ પાડવા આજથી નર્મદા ડેમનો મુખ્ય દરવાજો ખૂલ્લો મૂકવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેથી રાજયભરનાં ખેડુતોને નર્મદા કેનાલ મારફતે સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.
આ બજેટમાં નર્મદા કેનાલના બાંધકામ માટે રૂા.૨૭૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કેનાલોનાં બાંધકામથી રાજયના વધુ ૧.૧૩ લાખ હેકટર જમીનમાં સિંચાઈની સુવિધા મળી શકશે ઉપરાંત ડાંગ જિલ્લા અને ધરમપૂર, કપરાડા, વાસંદા, તાલુકાને ૧૦૦ યકા સેન્ડ્રીયા ખેતી હેઠળ આવરી લેવા ૧૫ કરોડ રૂા.ની જોગવાઈ કરવામાં આવી છે. શાકભાજીના ઘરૂ તૈયાર કરવા માટે પંચમહાલ નર્મદા અને અરવલ્લીમાં ત્રણ નવા સેન્ટર ઓફ એકસલેન્સની સ્થાપના કરવાની બનાસકાંઠામાં ૬,૦૦૦ કરોડ રૂા.ના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધી નવી પાઈપલાઈન યોજનાની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
સૌની યોજનાના બીજા તબકકામાં જામનગર, ગોંડલ, ભાવનગરના ૩૫ જળાશયો અને ૧૦૦થી વધારે ડેમો ભરવા માટેની પણ બજેટમાં જાહેરાત કરાય છે. ખેતીની સાથે પશુપાલનનો વિકાસ થાય તે માટે કામઘેનું યુનિવર્સિટી હેઠળ હિંમતનગરમાં નવી વેટરનીટી કોલેજની સ્થાપના તથા ૪૭ કરોડ રૂા.ના ખર્ચે ૪૬૦ ફરતા પશુ દવાખાના સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજયના દરેક ઘરો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં નળ દ્વારા પાણી પહોચાડવા માટે રાજય સરકારે ‘નલ સે જલ’ યોજના જાહેર કરી છે. જેમાં ૨૦ હજાર કરોડના ખર્ચે આગામી ત્રણ વર્ષમાં આ યોજનાને સાકાર કરવાના ધ્યેય સાથે આબજેટમાં ૪૫૦૦ કરોડ રૂા.ની જોગવાઈ કરવામં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ઉતર અને મધ્ય ગુજરાતનાં ૧૯ જિલ્લાનાં ૨૨૭૭ ગામોને આવરી લેતી ૪૩ જુથ પાણી પૂરવઠા યોજનાઓમાં સુધારો કરવા ૫૦૦ કરોડ રૂા.ની બ્રાહ્મણી ૨ થી તાલુકાના પંપીંગ સ્ટેશન પાઈપલાઈન માટે રૂા.૨૯૦ કરોડ, જામનગર દેવભૂમી દ્વારકા અને પોરબંદરને જોડતી પાણી પૂરવઠા ગ્રીડને વધારે સુદ્દઢ કરવા રૂા.૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, નાણામંત્રી નિતિન પટેલ બજેટમાં નવી સોલાર રૂફ ટોપ યોજનાની જાહેરાત કરીને ઘર પર ત્રણ કિલોવોટની સોલાર સિસ્ટમ પાછળ ૪૦ ટકા સબસીડીની, ત્રણથી દસ કિલોવોટની સોલાર સિસ પાછળ ૨૦ ટકા સબસીડી આપવાની જાહેરાત કરી છે. આ યોજના માટે બજેટમાં ૧૦૦૦ કરોડ રૂા.ની જોગવાઈ કરવામાં આવી છે.
આમ આ બજેટમાં ખેડુતો અને ગ્રામ વિકાસ માટે અનેક નવી યોજનાઓની જાહેરાત કરીને રૂપાણી સરકારે પાંચ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપ્યું છે. જેમાં જગતના તાતની પડખે સરકાર પાણીદાર ગુજરાત, પર્યાવરણના જતન સાથે વિકાસ ગ્રીન અને કવીન એનર્જી અને દરેકને રોજગારીનો સમાવેશ થાય છે.ભ્રુણ હત્યા રોકવામાં દેશભરમાં સૌ પ્રથમ પહેલ કરનારી ગુજરાત સરકારે આ ઝુબેશને વધુ લોકપ્રિય બનાવવા માટે વહાલી દિકરી નામે નવી યોજનાની જાહેરાત કરી છે જેમાં દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવે વખતે રૂા. ૪ હજાર, દીકરી નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂા. ૬ હજાર દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂા.૧ લાખ આપવાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે.