જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમાજ કલ્યાણ સહિતના વિભાગો હસ્તકની યોજનાઓ અંતર્ગત 2,680થી વધુ લાભાર્થીઓને રૂ.7.50 કરોડ જેટલી માતબર રકમના લાભોનું વિતરણ
અબતક, દિપક સથવારા, પાટણ
પાટણ શહેરના એ.પી.એમ. સી. શાકમાર્કેટ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને બારમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. સાંસદશ્રી ભરતસિંહજી ડાભી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમાજ કલ્યાણ સહિતના વિભાગો હસ્તકની યોજનાઓ અંતર્ગત 2,400થી વધુ લાભાર્થીઓને રૂ.7.24 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટીના પરિણામે વર્ષ 2009થી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહ્યા છે. તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાની આ પરંપરા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. દરેક જરૂરિયાતમંદ લોકો સ્વમાનભેર જીવી શકે તે માટે ગરીબ કલ્યાણ મેળાઓ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં દોઢ કરોડ કરતાં વધુ લોકોને સાધન-સહાય આપવામાં આવી છે. વધુમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, લુહારી કામ, સુથારી કામ, કડીયા કામ જેવા કુશળતા માંગી લેતા કામો કરનારા કારીગરને ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી સ્વરોજગાર માટે ઓજારો અને સાધનોની કીટ આપી તેમને આત્મનિર્ભર કરવાની દિશામાં રાજ્ય સરકારે નક્કર કામગીરી કરી છે. જરૂરિયાતમંદ લોકોને કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે અને જાતે આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે કોઈપણ વચેટીયા વગર રાજ્ય સરકારની યોજનાનો સીધો લાભ તેમને આપવામાં આવે છે.
પોતાના વકતવ્ય દરમ્યાન લાભાર્થીઓને સ્ટેજ પર બોલાવી તેમના પ્રતિભાવો સાંભળતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, આજના ગરીબ કલ્યાણ મેળામાં આવા 2668 જરૂરિયાતમંદ લોકોને રૂ.7.50 કરોડથી વધુના સાધનસહાય અને લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે રાજ્ય સરકારની જનસામાન્યની સુખાકારી પ્રત્યેની પરિણામલક્ષી કામગીરીની પ્રતીતિ કરાવે છે. અને રાજ્યમાં આ વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આપણે સદા આભારી રહીશું.બારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સમારંભના અધ્યક્ષ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદશ્રી ભરતસિંહજી ડાભી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગોની માનવ કલ્યાણ યોજના, સરસ્વતી સાધના યોજના, દિવ્યાંગ લગ્ન સહાય સહિતની યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા સાધનકીટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા બ્રાન્ડિંગ કરવામાં આવેલી આર.બી.એસ.કે. વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
પાટણ શહેરના એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે યોજાયેલા જનસુખાકારીના આ મહાયજ્ઞમાં જિલ્લાના 2,668 લાભાર્થીઓને રૂ.7,50, 56, 416 જેટલી માતબર રકમની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પાટણ જિલ્લામાં 81,360થી વધુ લાભાર્થીઓને આત્મનિર્ભર કરવા રૂ.257.42 કરોડ જેટલી જંગી રકમની સાધન-સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
આ વેળાએ જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, અગ્રણીઓ કે.સી.પટેલ, ગોવિંદભાઈ પટેલ, નંદાજી ઠાકોર, જયશ્રીબેન દેસાઈ સહિતના પદાધિકારી, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેક્ટર સચિનકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી સહિતના અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.