ગીર-સોમનાથ જિલ્લાનાં ખંઢેરી અને ભાલપરા ગામે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ આહવાનને ચરિતાર્થ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બીજા દીવસે ગીર-સોમનાથ જિલ્લાનાં ખંઢેરી અને ભાલપરા ખાતે બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાનાં અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જોટવાએ ગુજરાત રાજ્યમાં તમામ બાળકો સુપોષિત અને માતા તંદુરસ્ત બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવતા કહ્યું હતું કે, બાળકોમાં શારીરિક, માનસિક અને સામુહિકતાનાં ગુણો વિકસે તેવું વાતાવરણ આંગણવાડીમાં ગુંજતો રહે તેવો રાજ્ય સરકારનો હેતું છે. આવનારી પેઢીને સામર્થ્યવાન, સશક્ત અને સુપોષિત બનાવવાં માટે સરકાર અને સમાજ સાથે મળીને પોષણ અભિયાનનાં કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમજ ૧૦૮, ચિરંજીવી યોજના, કાંગારૂ કેર જેવી કાર્યરત યોજના અંગે માહિતી આપી અને લાભ લેવા જણાવ્યું હતું.
આ તકે પોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત બાળ તંદુરસ્તી, વાનગી હરીફાઇ અને પાલક વાલીનું પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. ભુલકાઓને મહાનુભાવો દ્વારા અન્નપ્રાશન કરાયું હતું. મહાનુભાવો તથા પ્રજાજનોએ સહિ પોષણ-દેશ રોશન કાર્યક્રમ વિષયક ટેલીફિલ્મ પણ નિહાળી હતી. મહાનુભાવો દ્વારા આંગણવાડીની મુલાકાત અને આ કર્મયોગીઓ દ્વારા વિવિધ વાનગીઓનું નિદર્શન પણ રજૂ કરાયુ જેની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી વાઘમશી, તાલુકા વિકાસ અધિકારી ચોપડા, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસ નિમાવત, બાળ વિકાસ યોજના અધિકારી મકવાણા, ડો.ચૈાધરી, સી.ડી.પી.ઓ.મંજુલાબેન મકવાણા, અગ્રણી હરદાસભાઇ સોલંકી, સરમણભાઇ સોલંકી, વિજયભાઇ પરમાર, ગોવિંદભાઇ મેર, જયસિંહભાઇ ઝાલા સહિત સરપંચો, સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.