આગામી ૫ થી ૬ વર્ષમાં મેઈક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારત હથિયારો બનાવવામાં સ્વનિર્ભર થઈ જશે: સંરક્ષણ મંત્રાલયના સાયન્ટીફિક સલાહકાર રેડ્ડીનો વિશ્ર્વાસ

ભારતીય સૈન્ય માટે મોટાભાગનો શસ્ત્ર સરંજામ વિદેશમાંથી આયાત થાય છે. ત્યારે સરકારે શસ્ત્રોના ઉત્પાદન માટે આત્મનિર્ભર થવા માટે મહત્વકાંક્ષી પગલા લીધા છે. આગામી ૫ થી ૬ વર્ષમાં સૈન્ય માટે મોટાભાગના હથિયારોનું ઘર આંગણે ઉત્પાદન કરવામાં આવે તે માટે સરકારે તખ્તો તૈયાર કર્યો હોવાનું સરંક્ષણ મંત્રાલયના સાયન્ટીફીક એડવાઈઝર જી.સતીષ રેડીએ કહ્યું છે.

સંરક્ષણ ક્ષેત્રને પ્રમોટ કરવા સરકારે અનેક કંપનીઓને કાયદામાં રાહત આપી છે. દેશમાં શસ્ત્રો માટેના યુનિટો સ્થાપવા સરકાર કટીબધ્ધ છે. આગામી પાંચથી છ વર્ષના સમયગાળામાં મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત શસ્ત્રોનું ઉત્પાદન શ‚ કરવા વધુને વધુ પ્રયત્ન કરશે. દેશમાં જ હળવા અને ભારે શસ્ત્રોનું ઉત્પાદન થતા અર્થતંત્ર પર બોજો ઓછો થશે. આ ઉપરાંત વિદેશી કંપનીઓ ઉપરની નિર્ભરતામાં પણ અનેકગણો ઘટાડો થઈ જશે.

સરકાર હાલ સૌથી વધુ ધ્યાન મિસાઈલ નિર્માણ મામલે આપી રહી છે. વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ મિસાઈલમાં ભારતીય મિસાઈલોની ગણતરી થાય છે. હથિયારો મામલે રિસર્ચમાં સરકાર હાલ અટલ ઈનોવેશન, ટેકનીકલ ડેવલોપમેન્ટ ફંડ સહિતના પ્રોજેકટો ચલાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘણા ઉદ્યોગો ટેકનોલોજી મામલે ખૂબજ વિકસીત થયા છે. માટે હવે આવા ઉદ્યોગોએ હવે એકસ્પોર્ટ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની જ‚રીયાત છે. વિદેશી ટેકનોલોજીની મદદથી સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગો હરણફાળ ભરી શકશે તેવી અપેક્ષા મને છે.

ભારતમાં હાલ આકાશ મિસાઈલ મામલે મસમોટા સંશોધનો થઈ રહ્યાં છે. સંરક્ષણ ક્ષેત્રમાં રિસર્ચ બાદ ઉત્પાદનને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. માટે સરકારે સૌથી વધુ ધ્યાન રિસર્ચ ઉપર આપ્યું છે. સરકારે રિસર્ચ માટે વધુને વધુ પ્રોત્સાહનો આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ માટે યોજનાઓમાં અઢળક ‚પિયા ઠાલવ્યા છે. આ ઉપરાંત ઘર આંગણે હથિયાર બનાવવા માટે પરવાના પ્રથા પણ તાજેતરમાં હળવી કરવાનો નિર્ણય સરકારે લીધો હતો. સરકારના આવા પગલાથી ભારતમાં સૈન્યને મેઈક ઈન ઈન્ડિયા હથિયારો મળી જશે જે વધુ ગુણવત્તાસભર રહેશે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.