માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ મહાસ્વપ્નોના દિવ્ય દર્શન સાથે હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે
અબતક,રાજકોટ
અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ અવની પર જેમનું પરમ પુણ્યવંતુ અવતરણ થયું હતું, એવાં ત્રણ લોકના નાથ, જગતના તારણહારા, દેવાધિદેવ તીર્થંકર પ્રભુ મહાવીર જન્મોત્સવનો ભવ્યાતિભવ્ય અવસર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે ઉજવાઇ રહેલા ગ્લોબલ પર્યુષણ મહાપર્વ અંતર્ગત આવતીકાલ તારીખ 08.09.2021, બુધવારના દિને પરમધામ સાધના સંકુલના પ્રાંગણમાં આયોજિત કરવામાં આવ્યો છે.
પ્રભુના અવતરણ સમયે માતા ત્રિશલાદેવીને આવેલાં 14 મહાસ્વપ્નની અલૌકિક વણઝારના દિવ્ય દર્શન કરાવવા સાથે આ અવસરે પ્રભુના અમૂલ્ય ગુણોને પ્રકાશિત કરતાં સુંદર અને પ્રેરણાત્મક દ્રશ્યાંકનની પ્રસ્તુતિ બાદ હજારો ભાવિકો અત્યંત ભક્તિભાવ અને નૃત્ય કિર્તના કરતાં કરતાં પ્રભુ જન્મોત્સવના વધામણાં લેશે ત્યારે પરમધામના અણુ અણુમાં પ્રભુના નામનો જય જયકાર ગુંજી ઉઠશે.
તીર્થંકર પ્રભુની માતાને આવેલા 14 દિવસ મહાસ્વપ્નોના દર્શન સાથે પ્રભુ મહાવીર પ્રત્યે અંતરની શ્રદ્ધા ભક્તિભાવની અર્પણતા કરવા આ અવસરે પરમધામમાં ચાતુર્માસ બિરાજિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 49 સંત – સતીજીઓ ઉપરાંત સમગ્ર ભારત તેમજ વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, નાયરોબી, બાંગ્લાદેશ, કંબોડીયા, પાકિસ્તાન, યુગાન્ડા, સિંગાપોર, દુબઇ, અબુધાબી, સુદાન આદિ 120 થી વધુ દેશોના લાખો ભાવિકો અત્યંત આતુરતા અને ઉત્સાહપૂર્વક તત્પર બની રહ્યાં છે.
ઉપરાંતમાં, પ્રભુ જન્મોત્સવના આનંદને સર્વત્ર પ્રસારિત કરવા આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી અનેક ક્ષેત્રોનાં ગરીબ લોકોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જય જયકાર વર્તાવવામાં આવશે.ભગવાન મહાવીર જન્મોત્સવનો સમગ્ર કાર્યક્રમ સવારના 8:30 કલાકે પ્રારંભ કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, પ્રભુ જન્મોત્સવના પાવન અવસરે, ‘પ્રભુ જન્મોત્સવ જે ભક્તિભાવથી ઉજવે, તે પ્રભુ પરિવારમા જન્મ પામે’ આવા ભાવ સાથે સર્વ પ્રભુપ્રેમી ભાવિકોને પ્રત્યક્ષ કે લાઈવના માધ્યમે જોડાવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.