જમીનથી 180 મીટર એટલે કે 540 ફૂટ ઉંચે બંધાયેલો છે : બે પર્વતોની વચ્ચે બનાવેલા આ સ્કાયવોકનું ભોંયતળિયું ટ્રાન્સપરન્ટ ગ્લાસનું બનેલું છે: ચાયનાના સ્કાયવોક ક્રોસ કરવામાં ગઝબની હિંમત જોઇએ
ટૂરિસ્ટો અધવચ્ચે પહોંચ્યા બાદ બૂમાબૂમ કરી મૂકે છે: પ્રોફેશનલ ટ્રેઇનિંગ ધરાવતા લોકો તમારો હાથ પકડીને હિંમત આપીને બેડો પાર કરાવે છે
ટૂરિસ્ટોને આકર્ષવા દરેક દેશો અવનવા આઇડિયા લગાવીને વિવિધ જોવા લાયક સ્થળો અબજો રૂપિયાના ખર્ચે તૈયાર કરે છે ત્યારે વિશ્ર્વમાં ઘણા ટૂરિસ્ટ પોઇન્ટનું જબ્બર આકર્ષણ છે. ચીનના બાઉડિંગ સીટીમાં બે પહાડોને તેની બંને ટોચને જોડતો ખાસ ચાલવા માટેનો કાચનો ઝૂલતો સ્કાય વોક બનાવાયો છે. સોશ્યલ મિડિયામાં તેના વિડિયોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. અધવચ્ચે લોકોની ચિચિયારી સાથેના
દ્રશ્યો ભારે રોમાંચ કરાવે છે. બ્રિજની વિશેષતા એ છે કે તેનું ભોંયતળિયું કાચનું બનાવાયું છે. ચાયનાના પાટનગર બીજિંગના ઉત્તર તરફ હુબઇ પ્રાંત પાસે આવેલા બાઉડિંગ શહેરમાં આ ઝૂલતો સ્કાયવોક બનાવાયો છે. આ કાચના પુલ પર એક સાથે બે-ત્રણ માણસો ચાલી શકે તેવો પહોળો છે. તે જમીનથી 540 ફૂટની ઉંચાઇએ બનાવાયો છે. આજુબાજુ બંને સાઇડ પર્વતોની હરિયાળીનો આહલાદક નઝારો જોવા મળે છે. સ્કાય વોક બંને બાજુમાં પકડવા કે આધાર માટે કઠેડા બનાવાયા છે.
દૂરથી પણ આ કાચના પુલનું દ્રશ્ય રોમાંચક અને નયનરમ્ય લાગે છે. આ પુલ પર પહોંચ્યા બાદ ભલભલાના રૂંવાડા ખડા થઇ જાય છે. આ પુલ લુઝ સસ્પેશનથી લટકેલો હોવાથી પર્વતની એક કિનારેથી ચાલતા થાવ એટલે તમારી ગઝબની કસોટી થાય છે. તળિયું કાચનું હોવાથી જાણે પગ પરથી ધરતી સરકતી લાગતી હોવાથી ડર લાગે છે તો પવનને કારણે વચ્ચે આ સ્કાય વોક લહેરખી સાથે આમ તેમ હિલોળા લેવા લાગે છે.
ખાસ ટૂરિસ્ટોના આકર્ષણ માટે બનાવેલા આ સ્કાય વોક ઉપર કાચા-પોચા હૃદ્યના લોકો બહુ હિંમત ભેગી કરીને ચાલવા તો લાગે છે પણ અધવચ્ચે પહોંચ્યા બાદ જબ્બરી બૂમાબૂમ કરવા લાગે છે કે આંખો બંધ કરી દે છે અને નીચે પટકાય જાય છે.
ટૂરિસ્ટોને પડતી મુશ્કેલી કે ડરના સમયે તાલિમબધ્ધ કર્મચારી તમોને હિંમત આપીને હાથ પકડીને પુલ ક્રોસ કરાવે છે. જમીનથી 180 મીટરની ઉંચાઇએ આવેલા આ સ્કાય વોકના તળિયાથી નીચેનું દ્રશ્ય એટલું વાસ્તવિક લાગે છે કે ગમે તેવાને ડર લાગવા લાગે છે. જિંદગીનો રોમાંચ માણવો હોય અને હિંમત હોય તો આ સ્કાય વોક ક્રોસ કરવાનો આનંદ એકવાર અચૂક લેવા જેવો છે.