હરિયાણાના કુરૂક્ષેત્રમાં ‘માનસ ગીતા’ કથામાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા
હરિયાણાના કુરૂક્ષેત્રના બ્રહ્મ સરોવર ખાતે ગઇ તા.19મીથી મોરારી બાપુના વ્યાસાસને શરૂ થયેલી ‘માનસ ગીતા’નો પ્રારંભ થયો છે. ગઇકાલે ‘માનસ ગીતા’ની કથા દરમિયાન મોરારી બાપુએ એવું જણાવ્યું હતું કે ગીતામાં સંશયનું સમાધાન અને શરણાગતિ છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી ગીતાનું પ્રાગટ્ય થયું હતું તે પવિત્ર સ્થળે મોરારીબાપુના વ્યાસાસને રામકથા “માનસ ગીતા” તા.19-11-22ના રોજ પ્રારંભ થયો છે.
કુરુક્ષેત્રના બ્રહ્મસરોવર ખાતે ગીતામનીષી જ્ઞાનાનંદજી મહારાજના અનુગ્રહથી આ સમગ્ર કાર્યક્રમ અને અષ્ટાદસ દિવસીય ‘ગીતા જયંતી’ મહોત્સવનો આરંભ થયો છે. તેના ભાગરૂપે આ રામચરિત માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે વર્ષો પહેલાં મને બાપુની કથા સાંભળવાનો અવસર ફરીદાબાદમાં મળ્યો હતો અને આજે અહીં ફરી કુરુક્ષેત્રમાં આ અવસર પ્રાપ્ત થયો છે.
રાજનીતિમાં પણ રામકથા કર્તવ્ય પર ધ્યાન આપવાનું સૂચવે છે તથા વધુમાં વધુ માનવજાતની સેવા કરવા માટેનો સુંદર સંદેશ આપે છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાજીએ કહ્યું કે હું આ પ્રકારના અવસરોમાં પ્રસંગોમાં આવવા માટે ઉત્સાહીત હોઉ છું. આપણાં દેશના નવ જવાનોને આ પ્રકારના આયોજનો જીવનનો સંદેશ આપે છે. બાપુ સમગ્ર દુનિયાને જીવન કેમ જીવવું તેનું સુંદર કામ કરી રહ્યાં છે.રામકથાનું દીપ પ્રાગટ્યથી મંગલાચરણ કરી અને જ્ઞાનાનંદજી મહારાજે કહ્યું કે બાપુમાં બધાં જ વિશેષણો, ઉપમાઓ સમાહિત છે. બાપુની આનબાન અને શાનએ રામચરિત માનસ છે. આજે એવો સુયોગ છે જ્યાં 5,150 વર્ષ પૂર્વે જ્યાં ગીતાજીનું પ્રાગટ્ય થયું છે. તેનાં 13 વર્ષ પછી આ માનસકથાનો સુભગ સમન્વય થઈ રહ્યો છે. તેનો આનંદ વ્યક્ત કરીએ છીએ.
મોરારીબાપુએ પોતાની વાણીને પુનિત કરતાં કહ્યું કે ગીતાનો આરંભ સંશય છે, મધ્ય સમાધાન અને અંત શરણાગતિ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા પર ગુરુકૃપાથી ઘણું બોલ્યો છું. અનસુયાગીતા, રામગીતા, લક્ષ્મણગીતા વગેરે ગીતા પર બોલવાનું અવસર પ્રાપ્ત થયો છે. માનવ સ્વયંગીતા છે, ગીતા અનંત છે. જ્યારે કોઈ વિશાદ હોય ત્યારે તેમાં વિવાદ વગર સંવાદ કરીએ તો તેનું સમાધાન મળે. આજે આ ભૂમિ પર ફરી એકવાર ગીતા પર વાત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, તેનો રાજીપો છે. આ કથાની બીજ પંક્તિ રામ રામાનુજમાથી પસંદ કરેલી છે.
ગીતા જ્ઞાન સંસ્થાના મહામંડલેશ્વર ગીતામનીષી જ્ઞાનનંદજી મહારાજ ઉપરાંત રમણ રેતીજી, શુભકૃષ્ણ મદાસજી મહારાજ, મલુકપીઠાધિશ્વરજી મહારાજ, સાસંદ નાયબ શ્રેણીજી, ધારાસભ્યો વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતાં.