ગુજરાત, મુંબઈ સહિતના કલાકારો પોતાની કલા પ્રસ્તૃત કરશે

જૂનાગઢવાસીઓને વિભિન્ન રાજયોની સંસ્કૃતિ, સંગીત અને પહેરવેશ  એકસાથે જોવાનો અલભ્ય મોકો આગામી તા. 5 થી 9 જાન્યુઆરી સુધી ગિરનાર મહોત્સવ દ્વારા જોવા મળશે. જૂનાગઢમાં જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં યોજાઇ રહેલા ગિરનાર મહોત્સવમાં ગુજરાત, મુંબઇ સહિતના રાજ્યના કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરશે.

પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 5 થી 9 જાન્યુઆરી દરમિયાન શહેરના ટાઉનહોલ ખાતે ગિરનાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજના છ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમોમાં ગુજરાત ઉપરાંત ઓરિસ્સા, મુંબઈ, બેંગ્લોર, જયપુર, હૈદરાબાદ, કલકત્તા, દિલ્હી, સહિતના રાજ્યોના કલાકારો પોતાની કલા, સંગીત, નૃત્ય, લોકગીતો તથા કથક, બાંસુરી, વાદન, ભરત નાટ્યમ, સિતાર,વાદન, કુચી પુડી નૃત્ય, તબલા વાદન, સંતૂર વાદન, ગિટાર અને દિલરુબા વાદન સહિતની કલાને પ્રસ્તુત કરશે.

જૂનાગઢ ખાતે યોજાઇ રહેલા આઠમાં ગિરનાર મહોત્સવમાં અન્ય રાજયોની સાથે ગુજરાતના જૂનાગઢ, વડોદરા, અમદાવાદ સહિતના અનેક શહેરના કલાકારો પણ પોતાની કલા રજુ કરશે અને વિશેષમાં જૂનાગઢની મંગલમૂર્તિના બાળકો પણ સંગીત રજૂ કરી જૂનાગઢના પ્રેક્ષકોના મન મોહી લેશે.

આયોજકોના જણાવ્યા અનુસાર, ગિરનાર મહોત્સવ કાર્યક્રમનું ઉદઘાટન જૂનાગઢ મનપાના કમિશનર રાજેશ તન્ના, મેયર ધીરુભાઈ ગોહેલ, ગિરનાર સત્તા વિકાસ મંડળના ડાયરેક્ટર શૈલેષભાઈ દવે વગેરે દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે અને માસ્ક પણ ફરજિયાતના નિયમ સાથે દર્શકો પ્રવેશ મેળવી શકશે. ત્યારે કલા રસિકોને વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, સંગીતને એક સાથે નિહાળવાની તક ઝડપી લેવા પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈના એમ કે પટેલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.