- અર્વાચિન રાસોત્સવ વચ્ચે પણ પ્રાચીન ગરબીનો દબદબો યથાવત
- સતત 17માં વર્ષે બજરંગ ગરબી મંડળ દ્વારા ટીપ્પણી, મંજીરા, કરતાલ, ગાગર રાસ સહિતના રાસ માટે બાળાઓની પ્રેક્ટીસ
- સળગતી ઇંઢોણી રાસની પ્રેક્ટીસમાં કોઇ અણ બનાવ ન બને તે માટે ફાયરના સાધનો રખાયા
- જલતો જલતો જાય,
- અંબે માનો ગરબો જલતો જાય…
- પવન ઝપાટા થાય તોય,
- માનો ગરબો ઝલતો જાય…
- અંબે માનો ગરબો જલતો જાય…
ગુજરાતના ગરબાની તો વાત જ નિરાળી છે. ગુજરાતના ગરબા ન માત્ર દેશભરમાં પરંતુ વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. અર્વાચીન રાસોની ઝાકમઝોળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. માતાજીની આરાધનાનું પર્વ એટલે નવલાં નોરતા…
નવરાત્રિ શરૂ થવાને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શક્તિની ભક્તિમાં લીન થવા માટે બાળાઓ આતુરતા પૂર્વકથી રાહ જોઇ રહી છે. રંગીલા રાજકોટમાં અર્વાચીન રાસોના ક્રેઝ અને ઝાકમઝોળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટના મવડી ચોક ખાતે થતો સળગતી ઇંઢોણીનો રાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. સળગતી ઇંઢોણી રાસ માટે બાળાઓ દ્વારા પ્રેક્ટીસ શરૂ કરી દેવામાં આવી છે. મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી પ્રાચીન ગરબીનું જાજરમાન આયોજન કરવામાં આવી છે. આ 17માં વર્ષે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નવ નોરતા દરમિયાન હજ્જારો ભાવિકો ર્માંની આરાધનામાં લીન બનીને ગરબે રમતી બાળાઓને નિહાળવા આવે છે. બજરંગ ગરબી મંડળના ગરબીમાં ટિપ્પણીરાસ, મજીંરારાસ, કરતાલરાસ, ગાગરરાસ અને સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવો સળગતી ઇંઢોણીનો રાસ જે બાળાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઇ તકલીફ ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે એટલું જ નહિં આ વખતે તો પ્રેક્ટીસ દરમિયાન પણ ફાયર સેફ્ટીના સાધનો સાથે રાખવામાં આવ્યા છે.
ગૌરવવંતા વારસાની ઝાંખી કરી સૌ ગર્વની લાગણી અનુભવે
આજના ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃત્તિ, જૂની પરંપરા વિસરાતી જઇ રહી છે ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃત્તિની યાદ અપાવી જાય છે. આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઇ ગર્વની લાગણી અનુભવે છે.
ત્રીજા, છઠ્ઠા અને નવમાં નોરતે ઇંઢોણીનો રાસ પ્રસ્તુત થશે: યુવરાજસિંહ ઝાલા
‘અબતક’ સાથેની વાતચિતમાં બજરંગ ગરબી મંડળના આયોજક ઝાલા યુવરાજસિંહએ જણાવ્યું હતું કે અમે 16 વર્ષથી મવડી ચોકડી પાસે પ્રાચીન ગરબીનું આયોજન કરીએ છીએ. અમાતે ત્યાંનો પ્રખ્યાત સળગતી ઇંઢોણીનો રાસ સૌરાષ્ટ્રમાં આ એક જગ્યાએ જ થતો હશે. છ બાળાઓ દ્વારા સળગતી ઇંઢોણીનો રાસ પ્રસ્તુત કરવામાં આવે છે. હાથમાં બે મશાલ માથે ઇંઢોણીને સળગતો ગરબો અને ગરબામાં સળગતી ઇંઢોણી સાથે બાળાઓ ગરબે રમે છે. દોઢ માસથી ગરબીની પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે. પ્રેક્ટીસ દરમિયાન ત્રણથી ચાર વખત ઇંઢોણીના રાસની પ્રેક્ટીસ
કરાવીએ છીએ. ત્યારબાદ નવરાત્રીમાં ત્રીજા, છઠ્ઠા અને નવમા નોરતે ઇંઢોણીનો રાસ રજૂ કરવામાં આવે છે. બાળાઓની સેફ્ટીને ધ્યાનમાં રાખીએ છીએ. ફાયરના સાધનો રાખવામાં આવે છે.
છ વર્ષથી માથે સળગતી ઇંઢોણી, હાથમાં સળગતી મશાલ રાસમાં ભાગ લઉં છું: જયતિ ચૌહાણ
‘અબતક’ સાથેની વાતચિતમાં ચૌહાણ જયતિએ જણાવ્યું હતું કે બજરંગ ગરબી મંડળની ગરબીમાં છ વર્ષથી ગરબીમાં સળગતી ઇંઢોણીવાળા રાસમાં ભાગ લઉં છે. અમારા દ્વારા ઘણા સમયથી વિવિધ રાસ માટેની પ્રેક્ટીસ કરવામાં આવી રહી છે. હવે તો નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમે હાથમાં બે સળગતી મશાલ, માથે બે ઇંઢોણી સાથે સળગતા ગરબાની પ્રેક્ટીસ કરીએ છીએ. આ રાસ 20 થી 25 મીનીટ સુધી ચાલે છે. અમને સળગતી ઇંઢોણીવાળા
રાસમાં જરાપણ ડર લાગતો નથી અને સેફ્ટીનું પુરૂં ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે અમે નવરાત્રીમાં સ્ટેજ પર સળગતી ઇંઢોણી હાથમાં સળગતી મશાલ સાથે રાસ રમીએ છીએ ત્યારે પણ સેફ્ટીના સાધનો સાથે પૂરી તકેદારી રાખવામાં આવે છે.