માથા અને હાથમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું: ખેતરે કામેથી પરત ન આવતા પરિવાર શોધવા જતાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી
લીંબડી તાલુકાના અંકેવાડીયાની રજપૂત પરિણીતા અને કોળી યુવાન વચ્ચેના પ્રેમ સંબંધના કારણે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી યુવતીની હત્યા કર્યાની અને યુવક પર ખૂની હુમલો કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી તાલુકાના અંકેવાડીયા રહેતી પાયલબેન ઘનશ્યામસિંહ પરમારની અજાણ્યા શખ્સોએ હત્યા કર્યાની અને તેના પ્રેમી જયદીપ ગગજી કોળી પર ખૂની હુમલો કર્યા અંગેની લાલભા કાનજીભાઇ પરમારે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પાયલ ઘનશ્યામસિંહ પરમાર ગઇકાલે વાડીએ કામે ગયા બાદ બપોરે પરત ન આવતા પરિવારજનો તેની શોધખોળ કરવા વાડીએ ગયા ત્યારે ત્યાં પાયલ પરમારના માથા અને હાથમાં તિક્ષ્ણ હથિયારના ઇજા સાથે લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી ત્યાંથી થોડે દુર તેના જ ગામના જયદીપ ગગજી કોળી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા હતા.
લાલભા પરમારે લીંબડી પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. જે.એફ.ડેલા અને પરાક્રમસિંહ સહિતના સ્ટાફે ગંભીર રીતે ઘવાયેલા જયદીપ કોળીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે પાયલ પરમારની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ મેડિકલ કોલેજમાં ખસેડી છે.
પાયલ પરમારના છ માસ પહેલાં જ વટામણ ખાતે લગ્ન થયા બાદ ભાઇનું મોત નીપજતા પિયર રોકાવા આવી હોવાનું અને તેણીને જયદીપ કોળી સાથે પ્રેમ સંબંધ હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
જયદીપ કોળી ભાનમાં આવ્યા બાદ પાયલ પરમારની હત્યા અને તેના પર ખૂની હુમલો કોણે કર્યો તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.