ડેન્ગ્યુ માટે વોર્ડ વાઈઝ એલીઝા ટેસ્ટના કેમ્પો યોજવા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની મ્યુનિ.કમિશનરને રજુઆત
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના તાવે હાહાકાર મચાવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઈ રહી છે છતાં કોર્પોરેશન ડેન્ગ્યુના સાચા આંકડા જાહેર કરવાનું છુપાવી રહ્યું છે. શહેરના વોર્ડ નં.૧૩માં ગુરુપ્રસાદ ચોકમાં ગોકુલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી ૨૨ વર્ષની યુવતીને સારવાર દરમિયાન ડેન્ગ્યુના કારણે એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.
ડેન્ગ્યુ માટે એલીઝા ટેસ્ટને જ માન્ય ગણવામાં આવતો હોય વોર્ડ વાઈઝ એલીઝા ટેસ્ટ માટેના કેમ્પ યોજવા વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને લેખિતમાં રજુઆત કરી છે.
શહેરના વોર્ડ નં.૧૩માં ગુરુપ્રસાદ ચોકમાં આવેલા ગોકુલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી નિતી ભાવેશભાઈ નડીયાપરા નામની ૨૨ વર્ષની યુવતીને તાવ આવતા તેણે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
જયાં આ યુવતીનું સારવાર દરમિયાન ડેન્ગ્યુના કારણે મોત નિપજયું હતું. અત્યાર સુધી શહેરમાં ડેન્ગ્યુએ પાંચ વ્યકિતઓના જીવ લીધા છે. ગીરીરાજ હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના ૨૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે છતાં મહાપાલિકાના ચોપડે તેની કોઈ નોંધ લેવામાં આવી નથી.
ડેન્ગ્યુ તાવ માટે સરકાર દ્વારા એલીઝા ટેસ્ટને જ માન્ય ગણવામાં આવતો હોય શહેરભરમાં એલીઝા ટેસ્ટ માટેના કેમ્પો યોજવા કોંગી કોર્પોરેટરે માંગણી કરી છે. શહેરની ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઈ રહી છે છતાં તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.