આર.કોમના સ્પેકટ્રમ, મોબાઈલ ટાવર અને ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક તેમજ મીડિયા ક્ધવર્ઝેશન નોડસ સહિતની સંપતિ ખરીદશે રિલાયન્સ જીયો
પિતા ધીરૂભાઈ અંબાણીના જન્મદિવસે મુકેશ અંબાણીએ રૂ.૨૩૦૦૦ કરોડની રાહત સમાન ભેટ અનિલ અંબાણીને આપવાનું નકકી કર્યું હોવાનું જાણવા મળે છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જીયો ઈન્ફોકોમ આગામી સમયમાં રિલાયન્સ કોમ્યુનિકેશન (આર.કોમ)ના સ્પેકટ્રમ, મોબાઈલ ટાવર અને ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક સહિતનો અન્ય મોબાઈલ બિઝનેસ એસેટ ખરીદવા માંગે છે. આ સોદો થઈ ગયો છે જેના પરિણામે અનિલ અંબાણીની કંપની આર.કોમને ખૂબજ રાહત થઈ છે.
આર.કોમ લગભગ ૪૫૦૦૦ કરોડ રૂપિયાના ભારેખમ કરજાથી દબાયેલુ છે. કંપની લાંબા સમયથી આ બોજ ઉતારવાનો પ્રયાસ કરી રહી છે. રિલાયન્સ જીયોએ તાજેતરમાં આ સોદા અંગે જાણકારી આપી છે. જીયોનું કહેવું છે કે, આ એસેટ રણનીતિ ખુબજ મહત્વની છે. જેનાથી જીયો દ્વારા વાયરલેસ અને ફાઈબર ટુ હોમ સહિતની સેવાઓને બહોળા પ્રમાણમાં શરૂ કરવા મદદ મળશે. આ સોદા માટે સરકારની મંજૂરી લેવાની છે.
આર.કોમ દ્વારા નવેમ્બર મહિનાના અંતમાં જ ટુ-જી અને ૩-જી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મિલકતો વેંચવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જીયો દ્વારા આર.કોમના સ્પેકટ્રમ મોબાઈલ ટાવર અને ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક સહિતની મિલકતો ખરીદવા પારદર્શક પ્રક્રિયા અનુસરવામાં આવી છે. અધિગ્રહણ પ્રક્રિયા નામાંકીત નિષ્ણાંતોના સમૂહની દેખરેખ હેઠળ થઈ હતી.
ટેલીકોમ સેકટરની ગળાકાંપ હરીફાઈ ઘણી કંપનીઓના પતનનું કારણ બની ગઈ છે. વોડાફોન અને આઈડિયા સેલ્યુલર જેવી મહાકાય કંપનીઓને મર્જ કરવાની જ‚રીયાત ઉભી થઈ છે. આર.કોમ દેવામાં સપડાયું છે. જીયોની ટેલીકોમ સેકટરમાં એન્ટ્રીથી અનેક કંપનીઓને ગુંગળામણ થવા લાગી છે. રિલાયન્સ જીયોને મોટાભાગની મિલકતો વેંચીને પણ આર.કોમ પાસે કેટલીક મહત્વની મિલકતો રહેશે. જેમાં ઈન્ટરનેટ ડેટા સેન્ટર, સબ સી કેબલ ઓપરેશન્સ અને મુંબઈ તથા દિલ્હીમાં રિયલ એસ્ટેટ મિલકતોનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, લોનના બોજ હેઠળ દબાયેલી આર.કોમે મંગળવારે નવા સોદાને અંતિમ રૂપ આપવાની જાહેરાત કરી હતી. જેમાં કહ્યું હતું કે, નવી વ્યવસ્થા હેઠળ એસેટ વેંચીને રૂ.૪૦ હજાર કરોડ એકઠા કરવામાં આવશે. અનિલ અંબાણીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ ચીનની બેંકનું સમર્થન પણ મળી રહ્યું છે.