પ્રારંભીક તબકકે થયેલા નુકસાનને હવે રૂ.૫૦૦ કરોડના ફાયદામાં ફેરવ્યો.

હાલ ટેલીકોમ ઈન્ડસ્ટ્રી ડચકા ખાઈ રહી છે ત્યારે તમામ કંપનીઓને મ્હાત આપનાર જીઓએ નફો રળવાનું શરૂ કરી દીધું છે. જીઓની બજારમાં એન્ટ્રી થઈ ત્યારે સસ્તા દરે સેવા આપવાનું શરૂ કર્યું હતું. જીઓના સસ્તા દરની સેવાના કારણે અન્ય ટેલીકોમ કંપનીઓને મરણતોલ ફટકો પડયો હતો. મહાકાય કંપનીઓને મર્જ થઈ જવાની ફરજ પડી હતી. પરંતુ આ વંટોળમાં જીઓ આબાદ બચી ગયું છે અને ૧૮ મહિના બાદ હવે નફો રળવાનું શરૂ કરી દીધું છે. એક સમય એવો હતો કે, આટલા સસ્તા દરમાં સેવા આપી જીઓ કેવી રીતે નિર્ભર રહેશે પરંતુ હવે સમય બદલાયો છે.

અગાઉ પણ ગુજરાતમાં રિફાઈનરી સ્થાપવા સમયે રિલાયન્સે પ્રારંભીક તબકકે ખોટનો સોદો લાગે તેવા પગલા લીધા હતા. એસ્ટાબ્લીસ થઈ ગયેલી અન્ય રિફાઈનરી સાથે રિલાયન્સે બાથ ભીડી હતી. કર્મચારીઓ સાધનોને મોં માંગી રકમથી મેળવવામાં આવ્યા હતા. ૧૮ મહિનાનો ૬૫૦૦૦ કરોડનો પ્રોજેકટ ૩ મહિના પહેલા જ પુરો કરી દેવાયો હતો. આવી જ રીતે રિલાયન્સ જીઓ પણ આગળ વધી રહ્યું છે.

વિગતો મુજબ રિલાયન્સ જીઓએ પોતાનો પ્રથમ નફો રળી લીધો છે. ડિસેમ્બરના કવાટરમાં રિલાયન્સ જીઓનો નફો રૂ.૫૦૪ કરોડનો રહ્યો છે. ધીમી ગતીએ થયેલી આ શરૂઆત રિલાયન્સ જીઓને હવે લાંબાગાળે ખૂબજ ફાયદો કરાવશે. ૩૧ ડિસેમ્બર સુધીના આંકડા મુજબ જીઓ પાસે ૧૬ કરોડ ઉપભોકતા છે. આ ગ્રાહકો જીયોને અન્ય કંપનીમાંથી મળ્યા છે. જીઓની સ્કીમથી આકર્ષાય ઘણા ગ્રાહકોએ નવા સીમકાર્ડ પણ ખરીદી રેકોર્ડ નોંધાવ્યો છે. જીઓનું સ્ટ્રોંગ ફાઈનાન્સીયલ રીઝલ્ટ ફન્ડામેન્ટલ સ્ટ્રેટજીની સફળતા દર્શાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.