શિક્ષણ બોર્ડના ૬૦ પૈકી ચૂંટાયેલા ૨૬ સભ્યોની ૩૦ સપ્ટેમ્બર સુધી મુદત લંબાવાઈ
કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સામાન્ય સભા આગામી તા.૧૫મી જૂને એટલે કે સોમવારના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. ૧૫મી જૂને બપોરે ૧૨ વાગ્યે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજવામાં આવશે જેમાં વિવિધ મુદ્દા પર શિક્ષણબોર્ડના સભ્યો ચર્ચા વિચારણા કરશે. આ ઉપરાંત બીજી તરફ વાત કરીએ તો કોરોનાની મહામારીને લઈ શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા ૨૬ સભ્યોની આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી મુદત લંબાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આગામી તા.૧૫મી જૂને મળનારી છે. જો કે હાલ કોરોનાની મહામારી હોય જેને ધ્યાને રાખીને આ બેઠકમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળશે. બોર્ડના સભ્યોને સુચન કરાયું છે કે, તે જે તે જિલ્લામાં આવેલા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ૧૫મી જૂનના રોજ સવારે ૧૧ કલાકે ઉપસ્થિત રહેે. સામાન્ય સભાની બેઠકના એજન્ડા અને તેને આનુસંગીક સાહિત્ય જિલ્લા શિક્ષણાધિકારી મારફતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં બેઠક શરૂ થયાના ૧ કલાક પૂર્વે ઉપલબ્ધ થશે. વીડિયો કોન્ફરન્સ માટેની પ્રવિધિની જાણકારી માટે કચેરીના ટેકનીકલ સહાયક સભ્યોને મદદરૂપ થશે અને બેઠક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે. જે જિલ્લામાં એક થી વધુ સભ્ય હશે તે જિલ્લાની શિક્ષણાધિકારી કચેરીમાં બોર્ડના સભ્યો એકઠા થઈ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થઈ શકશે. બીજી વાત કરીએ તો શિક્ષણ બોર્ડના ૬૦ સભ્યો પૈકી ૨૬ સભ્યોની ચૂંટણી થવાની હતી. જો કે, કોરોનાની મહામારી વચ્ચે અગાઉ પણ ૨ વખત તેમની મુદત લંબાવાઈ હતી અને ફરી એકવાર ત્રણ મહિના સુધીની મુદત લંબાવી દેવાઈ છે અને હાલની વર્તમાન પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લેતા બોર્ડના વર્ગ-ખના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા સમય જાય તેમ હોય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમના ઓર્ડર મુજબ ચૂંટાયેલા વર્ગ-ખના સભ્યોની તા.૩૦ જૂન ૨૦૨૦ના રોજ પૂરી થતાં મુદત તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે.