દેવાંગ માંકડનો લાઈબ્રેરીને લગતો પ્રશ્ર્ન 55 મિનિટ ખાઈ ગયો: પ્રશ્ર્નોતરીકાળ લંબાવવાની માંગણી સાથે જનરલ બોર્ડમાં કોંગ્રેસનો હોબાળો: હાઉસીંગની દરખાસ્તનો ર્ક્યો વિરોધ
માત્ર ચાર જણા છો અને અમારી શું પત્તર ઠોકો છો ? શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાની તડાફડી: જયમીન ઠાકરે તમામ કોર્પોરેટરોને બોર્ડમાં પુસ્તકો આપવા કર્યું સુચન
રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં ભાજપ રેકોર્ડબ્રેક 68 બેઠકો સાથે વિજેતા બન્યું છે. સામાપક્ષે કોંગ્રેસના ફાળે માત્ર 4 બેઠકો આવી છે. જનરલ બોર્ડની બેઠકમાં મજબૂત વિરોધ પક્ષની કમી મહેસુસ થઈ રહી છે. બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ બહુમતિના જોરે ધાર્યા નિશાનો પાર પાડી રહ્યું છે.
આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષે મોઢા સીવી લેતા લાઈબ્રેરીના સામાન્ય પ્રશ્ર્નની ચર્ચામાં જનરલ બોર્ડનો પ્રશ્ર્નોતરીકાળ વેડફાઈ ગયો હતો. છેલ્લી પાંચ મિનિટ દરમિયાન વિપક્ષે પ્રશ્ર્નોતરીકાળ લંબાવવાની સાથે હોબાળો મચાવ્યો હતો. પરંતુ શાસકોએ વિપક્ષની માંગણી સ્વીકારી ધડાધડ એક અરજન્ટ બિઝનેશ સહિત તમામ 9 દરખાસ્તોને બહાલી આપી દીધી હતી. એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ અંગેની દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આજે બોર્ડના આરંભે પૂર્વે કોંગ્રેસના તમામ ચાર કોર્પોરેટરોએ મોંઘવારીનો વિરોધ કરતા પોસ્ટરો શરીર પર લગાવ્યા હતા. જો કે તેઓને આ પહેરવેશ સાથે સભાગૃહમાં આવવા દેવામાં આવ્યા ન હતા. બંદોબસ્ત માટે હાજર પોલીસે આ પોસ્ટરો ઉતરાવી દીધા હતા. જનરલ બોર્ડના 1 કલાકના પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસના 16 કોર્પોરેટરોએ 34 પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.
જે પૈકી રાબેતા મુજબ વોર્ડ નં.7ના ભાજપના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડના લાઈબ્રેરીને લગતા પ્રશ્ર્નની ચર્ચામાં બોર્ડનો 95 ટકાથી વધુ સમય પસાર થઈ ગયો હતો. હાલ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર અંગે કોર્પોરેશનની તૈયારી, વરસાદ ખેંચાતા પાણીનું આયોજન સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવાના બદલે પ્રજાના પ્રતિનિધિઓએ લાઈબ્રેરીમાં કેટલા પુસ્તકો, સભ્યો અને ચિલ્ડ્રન લાઈબ્રેરીમાં કેટલા રમકડા છે તેની ચર્ચાઓ કરી હતી. નવનિયુક્ત મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ બોર્ડના આરંભે તમામ સભ્યોને પોતાનો પરિચય કરાવ્યો હતો.
પ્રશ્ર્નોતરીકાળની અંતિમ 5 મિનિટ દરમિયાન જ્યારે વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીન ઠાકરે ભાજપની વાહવાઈ શરૂ કરી ત્યારે કોંગ્રેસે હંગામો મચાવવાનું શરૂ ર્ક્યું હતું અને તમામ પ્રશ્ર્નોની ચર્ચા થાય તે માટે પ્રશ્ર્નોતરીકાળ 1 કલાક સુધી લંબાવવા માંગણી કરી હતી.
આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ નગરસેવકો વચ્ચે ચકમક ઝરી હતી. શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા થોડા આક્રમક બન્યા હતા. તેઓએ વિપક્ષને મોઢે મોઢ પરખાવી દીધું હતું કે, ગણીને માત્ર 4 જણા છો છત્તા બોર્ડમાં અમારી પત્તર શુકામ ઠોકો છો…., કોર્પોરેટર જયમીન ઠાકરે હવે પછીના જનરલ બોર્ડમાં તમામ 72 કોર્પોરેટરોને એક સારૂ પુસ્તક આપી આવકારવામાં આવે તેવું સુચન મ્યુનિ.કમિશનરને ર્ક્યું હતું.
આજે બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે એક અરજન્ટ બિઝનેશ સહિત કુલ 9 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ અંગેની દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો હતો. બાકીની તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર થવા પામી હતી. બોર્ડમાં બે શોક ઠરાવ પસાર કરાયા હતા. પૂર્વ કોર્પોરેટર નાથાલાલ ચંદારાણા અને પૂર્વ નિયુક્ત કોર્પોરેટર ઉષાકાંત માંકડનું અવસાન થતા તેને સભાગૃહ દ્વારા 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી.
ભાજપના નગરસેવીકા વંદે માતરમ્ ગાનની અવમાનના ન જાળવી !
સામાન્ય રીતે જ્યારે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠકના આરંભ સાથે અને પૂર્ણાહુતિ વેળાએ વંદે માતરમ્નું ગાન ચાલુ હોય ત્યારે નગરસેવકો, અધિકારીઓ અને પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલ તમામ લોકો પોતાના સ્થાન પર ઉભા થઈ સન્માન આપતા હોય છે. આ ગાન દરમિયાન અવર-જવર કરવાની પણ મનાઈ હોય છે.
દરમિયાન આજે જ્યારે જનરલ બોર્ડની બેઠકના આરંભ વેળાએ વંદે માતરમ્નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર કુશુમબેન ટેકવાણીએ અવમાનના જાળવવાના બદલે ચાલીને પોતાના સ્થાને પહોંચી ગયા હતા. આ વેળાએ ભાજપના એક સીનીયર કોર્પોરેટરે તેઓને જ્યાં છે ત્યાં ઉભુ રહી જવા માટે ઈશારો પણ ર્ક્યો હતો છતાં આ ઈશારામાં કુશુમબેન સમજી શક્યા ન હતા અને વંદે માતરમ્ ગાનનું આડકતરી રીતે અપમાન ર્ક્યું હતું.
માસ્ક પહેરો: નરેન્દ્ર ડવને મેયરે ડાયસ પરથી ઈશારો ર્ક્યો
કોરોનાની મહામારીના પગલે હાલ મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત છે. ત્યારે જનરલ બોર્ડમાં કેટલાંક નગરસેવકો નિયમોનો ઉલાળ્યો કરી માસ્ક પહેરવાનું ટાળતા હોય છે જેના કારણે વિવાદ સર્જાય છે. આજે વોર્ડ નં.16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવનું માસ્ક મોઢાની નીચે હોવાનું જણાતા સભા અધ્યક્ષ મેયર ડો.પ્રદિપ ડવે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલને ઈશારો કરીને સમજાવ્યું હતું કે, તમારી પાછળની સીટમાં બેઠેલા નરેન્દ્રભાઈને કહો કે ચહેરા પર વ્યવસ્થિત માસ્ક ધારણ કરી લે.