ભાજપ અને કોંગ્રેસનાં ૩૦ કોર્પોરેટરોનાં ૭૨ પ્રશ્નો અંગે થશે ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. તાજેતરમાં શહેરમાં પડેલા ૧૫ ઈંચ વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. આખું શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. કાલે બોર્ડ બેઠકમાં આ મુદ્દે તડાપીટ બોલે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસનાં ૩૦ કોર્પોરેટરોએ પ્રશ્ર્નોતરીકાળમાં ૭૨ પ્રશ્ર્નો રજુ કર્યા છે. જેની ચર્ચામાં અધિકારીઓને ભીડવવાનો પ્રયાસ થવાની સંભાવના પણ દેખાય રહી છે.
કાલે મહાપાલિકામાં મળનારી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપનાં ૧૫ કોર્પોરેટરોએ ૨૭ પ્રશ્ર્નો જયારે કોંગ્રેસનાં ૧૬ કોર્પોરેટરોએ ૪૫ પ્રશ્ર્નો સહિત કુલ ૩૦ કોર્પોરેટરોએ ૭૨ પ્રશ્ર્ન રજુ કર્યા છે. સૌપ્રથમ બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષ રાડીયાનાં પ્રશ્ર્ન પર ચર્ચા થશે. સામાન્ય રીતે એક પ્રશ્ર્નની ચર્ચામાં પ્રશ્ર્નોતરીકાળનો એક કલાકનો સમય વેડફાઈ જતો હોય છે. ગત શુક્રવારે મધરાતથી શનિવાર બપોર સુધી શહેરમાં પડેલા ૧૫ ઈંચ જેટલા વરસાદમાં સ્માર્ટ સિટી રાજકોટ પાણી-પાણી થઈ ગયું હતું. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી હજી શહેરનાં અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ છે. આ મુદ્દે પણ કાલે બોર્ડમાં નગરસેવકો તડાપીટ બોલાવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
કાલે જનરલ બોર્ડમાં વોર્ડ નં.૮માં બનેલી નવનિર્મિત લાયબ્રેરીનું બાબુભાઈ વૈદ્ય નામકરણ કરવા, ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી ખાતે બનેલા બ્રીજનું અટલ બિહારી વાજપેઈ નામકરણ કરવા સહિતની અલગ-અલગ ૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.