રાજ્યમાં 15મી જુલાઈથી ધો.12 અને કોલેજના 18 લાખથી વધુ વિદ્યાર્થીનું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, વાલીની સંમતિ જરૂરી
રાજ્યમાં કોરોના મહામારીને કારણે સવા વર્ષ કરતા વધુ સમયથી ઓફલાઈન શિક્ષણ બંધ છે. પરંતુ હવે માઁ સરસ્વતીના ધામના દ્વાર ખુલશે અને ગુરૂજનો-શિષ્યો “આરાધના” કરવા ઉત્સાહિત છે.ના કેસો ઘટી ગયા હોવાથી રાજ્ય સરકારે ધોરણ 12ની સ્કૂલો, કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.
આમ કુલ 18 લાખ 46 હજાર 51 વિદ્યાર્થીનું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. “અબતક” દ્વારા ગઈકાલે જ લખવામાં આવ્યું હતું કે, જો ટ્યૂશન-કલાસીસને ખોલવાની મંજુરી મળી ગઈ તો શાળાઓને કેમ તાળા? જો કે બાદમાં ગઈકાલે મુખ્યમંત્રીએ શાળા સંચાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને ધો.12ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
જો કે હવે ફરી શિક્ષણ કાર્ય શરૂ થશે અને રાજ્યમાં ધોરણ-12 ઉચ્ચત્તર માધ્યમિકની 833 સ્કૂલોના 6 લાખ 82 હજાર વિદ્યાર્થીઓ, સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ 1609, ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં 8 લાખ 85 હજાર 206 વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનિક કોલેજ મળીને કુલ 489 ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં 2 લાખ 78 હજાર 845 વિદ્યાર્થીઓ છે.
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
-
ધો.12ના 50 અને ગુજકેટના 50 ટકા વેઇટેજના આધારે એન્જિનિયરિંગમાં પ્રવેશ
-
સરકારનો નિર્ણય આવકારદાયક: ડી.વી.મેહતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મેહતાએ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે ગઈકાલે ધો.12ની સ્કૂલો ખોલવા માટે મંજૂરી આપી છે આ નિર્ણય આવકારદાયક છે. જો કે હવે 70 ટકા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ શાળાઓ ખોલવા જણાવી રહ્યાં છે. ત્યારે ધીમે ધીમે હવે તબકકવાર તમામ ધોરણની સ્કૂલો ખુલે તેવી માંગ છે.
-
ધો.9 થી 11ના વર્ગો ખોલવાની મંજૂરી આપો: ભરતભાઈ ગાજીપરા
ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે ધો.12ના વર્ગો ખોલવાની તો મંજૂરી આપી સાથોસાથ ધો.9 થી 11ના વર્ગો ખોલવાની પણ મંજૂરી આપવી જોઈએ કેમ કે આ વર્ગો ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યમાં મહત્વના સાબિત થાય જેથી તાકીદે હવે સરકાર ધો.9 થી 11ના વર્ગો માટે પણ મંજૂરી આપે
-
અન્ય વર્ગો ખોલવા અમે સરકાર સમક્ષ માંગણી કરીશું: જતીનભાઈ ભરાડ
ગુજરાત મહામંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો. 12ના વર્ગો ખોલવાનો નિર્ણય સારો જ છે પરંતુ જો ધો.9 થી 11ના વર્ગો પણ ખોલવાની સરકાર છૂટ આપે તો હવે બાળકો પણ કોરોનાની ગંભીરતા સમજે છે એટલે સરકારની એસઓપી સાથે જ અમે શાળાઓ ખોલશું. આ માટે અમે સરકાર સમક્ષ માંગણી પણ કરવાના છીએ.
-
ટ્યૂશન કલાસીસની જેમ અમારી વ્યથા પણ સરકાર સમજે: અવધેશ કાનગડ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ અવધેશ કાનગડે “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેમ ટ્યૂશન કલાસીસમાં તમામ વર્ગો ખોલવાની સરકારે મંજૂરી આપી તેમ શાળાઓને પણ તબક્કાવાર તમામ વર્ગો ખોલવાની સરકાર મંજૂરી આપે. શાળાઓમાં પણ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે જ છે.