પડધરીમાં દારૂ પકડાવ્યાની શંકા સાથે બદલો લેવા બુટલેગરે આચર્યુ કૃત્ય:બુટલેગરને પકડવા રાજકોટ અને ગોંડલ પોલીસને દોડધામ
પડધરીના ખંડેરી પાસેથી બે દિવસ પહેલાં રણમણ આહિરની વાડીમાંથી રૂ.૩૪ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો પોલીસે પકડતા નામચીન બુટલેગરે પોતાનો દારૂ પકડાવ્યાની શંકા સાથે એક સાથે ચાર યુવકના અપહરણ કરી છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા નામચીન બુટલેગર હર્ષદ મહાજન અને તેના સાગરીતોને ઝડપી લેવા રાજકોટ અને ગોંડલ પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નામચીન બુટલેગર હર્ષદ મહાજને મગાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો પડધરી પોલીસે ઝડપી લેતા વિદેશી દારૂ ગુંદાવાડીના જીજ્ઞેશ ઉર્ફે જીગલો, ગોંડલના સાગરસિંહ ગોહિલ અને ધમા વ્યાસે પકડાવ્યાની શંકા સાથે ગઈકાલે હર્ષદ મહાજન, તેના સાગરીત ચંદ્રેશ ઉર્ફે કાળીયો અને બે અજાણ્યા શખ્સોએ ગુંદાવાડીમાં જીજ્ઞેશને શોધવા આવ્યા હતા પણ તે ન મળતા જીજ્ઞેશના પિતરાઇ નરેશ બાબુભાઇ મકવાણાનું કારમાં અપહરણ કરી જીજ્ઞેશ કયાં છે તે અંગે પૂછપરછ કરી માર માર્યો હતો.
જીજ્ઞેશ ન મળતા તેના ભાઇ રવિનું ચારેય શખ્સોએ અપહરણ કરી જીજ્ઞેશ અંગે પૂછપરછ કરી છરીના ઘા મારતા નરેશ અને રવિ સાથે બુટલેગર હર્ષદ મહાજનની ટોળકી કેનાલ રોડ થઇ જિલ્લા ગાર્ડન તરફ જતા હતા ત્યારે નરેશ ભાગી ગયો હતો.
દરમિયાન જીજ્ઞેશ જિલ્લા ગાર્ડન પાસે મળી જતા તેને લઇ ગોંડલના સાગરસિંહ ગોહિલને ત્યાં જવા નીકળ્યાની ભક્તિનગર પોલીસને જાણ થતા પી.આઇ. વી.કે.ગઢવી સહિતનો સ્ટાફ બુટલેગર હર્ષદ મહાજનને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી અને પોલીસ સ્ટાફ સાથે ગોંડલ પહોચ્યા હતા તે દરમિયાન બુટલેગર હર્ષદ મહાજને ગોંડલથી સાગરસિંહ ગોહિલનું અપહરણ કરી તેને ધમો વ્યાસ કયાં છે તે અંગે પૂછપરછ કરી છરીથી ખૂની હુમલો કર્યો હતો.
ભક્તિનગર પોલીસ પીછો કરતી હોવાન હર્ષદ મહાજનને જાણ થતા સાગરસિંહ ગોહિલને છોડી જીજ્ઞેશ અને રવિને લઇ આટકોટ થઇ રાજકોટ આવ્યા બાદ બંનેને રૈયા રોડ પર છોડી દીધા હતા. હર્ષદ મહાજન સહિત ચાર શખ્સો સામે ગોંડલમાં સાગરસિંહ ગોહિલની હત્યાના પ્રયાસ અને ભક્તિનગર પોલીસમાં અપહરણ અને હુમલા અંગેના ગુના નોંધી રાજકોટ અને ગોંડલ પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથધરી છે.