- ટંકારા હાઈપ્રોફાઈલ જુગારધામ કેસ
- હોટેલ કમ્ફર્ટ ઈનમાં નવ કલાક સુધી ચાલેલી તપાસમાં અઢળક ઘટસ્ફોટ થયાની કાન ફાડી નાખે તેવી ચર્ચા
- સમગ્ર પ્રકરણમાં ‘અબતક’ દ્વારા એક સપ્તાહ પૂર્વે જ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે, દરોડામાં તોડબાજી કરીને નીલ રેઇડને સક્સેસ બતાવી પોલીસે ખેલ પાડી દીધો હતો જે અહેવાલને હવે સમર્થન મળી રહ્યું છે.
ટંકારા હાઈપ્રોફાઈલ જુગારધામ કેસમાં તદ્દન નવો વળાંક આવ્યો છે. ટંકારા પોલીસે હોટેલ કમ્ફર્ટ ઈનમાં દરોડો પાડીને 12 લાખની રોકડ, ફોચ્ર્યુનર કાર સહીત રૂ. 63 લાખના મુદ્દામાલ સાથે માલેતુજાર બિલ્ડરના પુત્ર સહીત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ નીલ રેઇડને સફળ બતાવી ’વહીવટ’ કરી લેવાયાની કાન ફાડી નાંખે તેવી ચર્ચાઓ વચ્ચે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ટંકારા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વાય કે ગોહિલને તાત્કાલિક અસરથી વાંકાનેર રેન્જમાં લિવ રિઝર્વમાં જયારે કોન્સ્ટેબલ મહીપતસિંહની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. જે બાદ ગત સપ્તાહ સમગ્ર ગાફલા કાંડની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવ્યા બાદ કડાકા ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા હતા. જે મહદઅંશે યથાર્થ ઠરશે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ગઈકાલે એસએમસી વડા નિર્લિપ્ત રોય સહીતની 40 જવાનોની ટીમે હોટેલ કમ્ફર્ટ ઇનમાં ધામા નાખી નવ કલાક સુધી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. જે તપાસમાં અઢળક ઘટસ્ફોટ થતાં તપાસના અંતે અનેકના તપેલા ચડી જાય તેવો ઘાટ ઘડાયો છે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલી હોટેલ કમ્ફર્ટ ઈનના રૂમ નંબર 105માં ટંકારા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વાય કે ગોહિલની ટીમે 25 ઓક્ટોબરના રોજ દરોડો પાડ્યો હતો. આ રૂમમાંથી રૂ.12 લાખની રોકડ, લકઝરીયસ ગાડીઓ સહીત રૂ. 63 લાખના મુદ્દામાલ સાથે માલેતુજાર બિલ્ડર, ઉદ્યોગકારોની ધરપકડ કરી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી લેવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું. હવે દરોડા પડ્યાના એકાદ બે દિવસ બાદ જ આ રેઇડ તદ્દન નીલ રહી હતી પણ પોલીસે નીલ રેઇડને હાઈપ્રોફાઈલ જુગારધામના કેસમાં તબદીલ કરી મોટો વહીવટ ઉતારી એક કાંકરે બે પક્ષી માર્યાનું જોરોશોરોથી ચર્ચાવા લાગ્યુ હતું. આ ગણગણાટ પોલીસબેડામાં પણ થતાં તમામ હકીકતો રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સુધી પહોંચતા તેમણે પીઆઈ વાય કે ગોહિલને વાંકાનેર રેન્જમાં લિવ રિઝર્વમાં મૂકી દીધા હતા જયારે કોન્સ્ટેબલ મહીપતસિંહની દ્વારકા બદલી કરી દેવામાં આવી હતી.
બદલી થયાં બાદ આ તમામ હકીકત ગાંધીનગર સુધી પહોંચતા અગાઉ ઘટનાની તપાસ લીંબડી ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. જે તપાસમાં કંઈક મોટા ઘટસ્ફોટ સાથેની ફાઈલ ગાંધીનગર પહોંચતા તપાસનો દોર પોલીસ ખાતામાં તદ્દન શિષ્તવાદી અને કડક અધિકારીની છાપ ધરાવતા એસએમસી વડા નિર્લિપ્ત રોયને સોંપવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલામાં આઈપીએસ નિર્લિપ્ત રોયની ટીમે ઝુંકાવ્યું છે.
ગઈકાલે એસએમસી વડા નિર્લિપ્ત રોય, ડીવાયએસપી કે ટી કામરીયા સહીતની 40 અધિકારી-કર્મચારીઓની ટીમે હોટેલ કમ્ફર્ટ ઈનમાં ધામાં નાખ્યા હતા. આ ટીમે હોટેલમાં કુલ નવ કલાક સુધી ધામા નાખીને રેઇડ દરમિયાન હાજર પોલીસકર્મીઓ, પોલીસ અને ખાનગી ડ્રાયવર, હોટેલ સ્ટાફ, કથિત જુગારીઓને છોડાવવા જામીન પડેલા લોકો સહીતની તમામ કડીઓ તપાસતા મોટા બણગા ફૂટ્યા હોય અને કથિત નકલી રેઇડના વટાણા વેરાઈ ગયાં હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. હવે આ મામલે તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવે અને ત્યારબાદ જોવા જેવી થાય તેવી પ્રબળ શક્યતા છે.
કચ્છના કથિત જમીનકાંડના ‘વહીવટે’ ગાંધીનગર સુધીના તાર ધણધણાવ્યા
ટંકારા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વાય કે ગોહિલની ટીમે પાડેલા દરોડા પ્રકરણમાં વહીવટની આશંકાએ હાલ તેમની બદલી લિવ રિઝર્વમાં કરી દેવામાં આવી છે. ત્યારે પીઆઈના વધુ એક ’પરાક્રમ’ની ચર્ચાએ જોર પકડ્યું છે. પીઆઈ ગોહિલ કચ્છમાં કથિત રીતે એક જમીન પ્રકરણમાં વહીવટ કરી નાખી કબ્જો અપાવ્યાની રાવ ભાજપના જ એક આગેવાને
ગાંધીનગર ખાતે કરતા આ પ્રકરણમાં પણ કશુંક મોટા પગલાં લેવાય તેવું હાલના તબક્કે ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ સૂત્રો એવુ પણ જણાવી રહ્યા છે ખાનગી રાહે પીઆઈની સંપત્તિનો પણ લેખાજોખા મેળવવામાં આવે તપાસમાં એસીબીની એન્ટ્રી થાય તો પણ નવાઈ નહિ.
જુગાર કેસના જામીનદારોને પણ એસએમસીના ‘તેડાં’?
મળતી માહિતી મુજબ હાલ એસએમસી જુગાર રેઈડ પ્રકરણમાં તમામ કડીઓ તપાસી રહી છે. ત્યારે આ પ્રકરણમાં પોલીસના દરોડા બાદ કથિત જુગારીઓને છોડાવવા જામીન પડેલા લોકોને પણ એસએમસીએ પૂછપરછ માટે તેડું મોકલ્યું હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય બાબત છે કે, જો આ વાત સાચી હોય તો કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર જુગારના કેસમાં જામીનદારોની પણ પૂછપરછ કરવામાં આવી હોય તેવો પ્રથમ દાખલો બનશે.
દરોડામાં હાજર રહેનાર પોલીસકર્મીઓએ વટાણા વેર્યા?
સમગ્ર મામલામાં હાલ સુધીમાં પીઆઈ અને કોન્સ્ટેબલની બદલી થઇ જવા પામી છે ત્યારે દરોડામાં સાથે હાજર રહેનાર અન્ય પોલીસકર્મીઓ પોતાની નોકરી અને આબરૂ બચાવવાની હોડમાં લાગ્યા હોય ત્યારે કડક અધિકારીની છાપ ધરાવતા નિર્લિપ્ત રોયની પૂછપરછમાં આ પોલીસકર્મીઓ વટાણા વેરી તમામ હકીકતો વર્ણવી દીધાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, આ તમામ બાબતોમાં કેટલી હકીકત છે તે તો હવે જોવું રહ્યું.