હાલ ધ્રાંગધ્રા અને ચોટીલામાં સીએમ સેતુ અંતર્ગત જ ખાનગી ડોક્ટરોની સેવાઓ લેવામાં આવી રહી છે. નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરની પણ શક્યતા વ્યક્ત કરી છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમણનો ભોગ બને તેવી પણ સંભાવના છે. તેના લીધે કેન્દ્ર અને રાજય સરકારે ત્રીજી લહેરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ચોંકાવનારી સ્થિતિ છે. એકમાત્ર ગાંધી હોસ્પિટલમાં જ બાળરોગ નિષ્ણાંત તબીબની કાયમી નિમૂંણક છે. જ્યારે જિલ્લાના 10 તાલુકાઓમાં ધ્રાંગધ્રા તેમજ ચોટીલાને બાદ કરતા સરકારી દવાખાનામાં બાળરોગ નિષ્ણાંત તબીબ જ નથી ! જેના પગલે જો ત્રીજી લહેર આવી અને જો બાળકો ભોગ બનવાના શરૂ થાય તો જિલ્લામાં કેવી સ્થિતિ સર્જાઇ શકે છે તે આંકવું મુશ્કેલ છે.
પરંતુ જિલ્લામાં બાળકોના આરોગ્ય માળખા અંગે સરકાર સુવિધા ઊભી કરી શકી નથી. જિલ્લાના વઢવાણ, લીંબડી, ચૂડા, સાયલા, લખતર, થાન, મૂળી સહિતના તાલુકા મથકો પર બાળરોગ નિષ્ણાંત (પિડિયાટ્રિશયન) નથી ! જ્યારે ગાંધી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંતની કાયમી નિમણૂંક આપવામાં આવતા ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ધ્રાંગધ્રા તેમજ ચોટીલામાં આવા નિષ્ણાંત ડોકટર કે જે ખાનગી હોસ્પિટલના હોય છે તેમની સેવાઓ પણ સીએમ સેતુ અંતર્ગત લેવામાં આવી રહી છે.
જિલ્લામાં બાળરોગ નિષ્ણાંત તબીબો ન હોવાથી લોકોને ્ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 2 વર્ષમાં 1015 ભૂલકાંનાં મોત થયાં છે. બાળકો માટે હાલ પરિવારજનો જ તેમના માટે સુરક્ષાચક્ર સમાન બનવું જરૂરી છે. કારણ કે, હાલ તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે જે માતા-પિતાઓના તેમજ જે પરિવારજનોમાં આવા બાળકો છે તેવા લોકોએ ખાસ કરીને રસી લઇને પરિવારનું સુરક્ષાચક્ર બની શકે છે.