શાપર: અજાણ્યા વાહનની ઠોકરે કાર પલ્ટી જતાં જૂનાગઢનું યુગલ ઘાયલ
જુનાગઢમાં રહેતું યુગલ લગ્નની ખરીદી માટે રાજકોટ આવ્યું હતું. અને ખરીદી કરી પરત જૂનાગઢ જઈ રહ્યું હતું ત્યારે શાપર નજીક અજાણ્યા વાહન ચાલકે યુગલની કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુગલને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં આવેલા અંબિકા ચોકમાં રહેતા મયુર રમણીકભાઈ પાઘડાર (ઉ.વ.26) અને સૃષ્ટિબેન મયુરભાઈ પાઘડાર (ઉ.વ.25) રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રાજકોટથી જુનાગઢ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે શાપર બ્રિજ ચડતા હર ગંગે વે-બ્રિજની સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં કાર પલટી જતા મયુર પાઘડાર અને સૃષ્ટિબેનને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથધરી હતી.
જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ મયુર પાઘડાર અને સૃષ્ટિબેનના આગામી તા.15 અને 16 જાન્યુઆરીના રોજ લગ્ન હતા અને બંને યુગલ લગ્નની ખરીદી કરવા રાજકોટ આવ્યા હતા અને રાજકોટથી ખરીદી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.