રાજકોટના કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા તાજેતરમાં જ પીએસઆઈની પરીક્ષા પાસ કરી વડોદરા ક્રાઈમ બ્રાંચમાં નિમણૂંક અપાઈ‘તી: પોલીસ મથકમાં જ સર્વિસ રિવોલ્વરથી ફાયરીંગ કરી જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં શોક
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરનાર પીએસઆઈ સંજયસિંહ જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે.
મૃતક જાડેજા જામકંડોરણા તાલુકાના સાતોદડ વાવડી ગામના વતની હોવાથી પરિવારજનો મૃતદેહ સાતોદડ ખાતે લાવી તેમની અંતિમવિધિ કરી ત્યારે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
સંજયસિંહ જાડેજા આ પહેલા રાજકોટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ વડોદરામાં પીએસઆઈ તરીકે તેમની નિમણૂક થઈ હતી. જાણવા મળ્યું છે કે સંજયસિંહ જાડેજાની ઈમાનદાર અને મહેનતુ કોન્સ્ટેબલ તરીકેની છાપ હતી. મળેલ માહિતી અનુસાર પીએસઆઈ સંજયસિંહ જાડેજા વડોદરાની અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા.
આત્મહત્યા પહેલા સંજયસિંહે પોતાની ડાયરીમાં એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. પીએસઆઈની સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારાી પીએસઆઈની નોકરી થાય તેમ નથી, મને માફ કરજો. ઘટનાની જાણ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંજયસિંહ જાડેજાએ આપઘાત પૂર્વે પોતાના કેટલાક અંગત મિત્રો સાથે મોબાઈલમાં વાત કરી હોવાનું જાણવા મળે છે.
વડોદરા પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે, પીએસઆઈ જાડેજા ખૂબ જ બહાદૂર અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી હતા. તેમના કામકાજને જોતા જ હાલમાં જ તેમને ક્રાઈમ બ્રાંચમાં જવાબદારી સોંપાઈ હતી. આજે અમને એક કર્તવ્યનિષ્ઠ અધિકારી ગુમાવવાનો રંજ છે. તેમની આત્મહત્યના કારણો અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમ કહ્યું હતું.
સંજયસિંહ જાડેજાના આપઘાત અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ વડોદરા ખાતે પહોંચી ગયા હતા. મૃતદેહ સંભાળી સાતોદડ લાવ્યા બાદ અંતિમવિધિ કરાઈ ત્યારે પરિવારજનોના કરુણ આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.