કોર્પોરેટર વિજય વાંકની આગેવાનીમાં સ્થાનિક લત્તાવાસીઓએ વિકાસની નનામી કાઢી મવડી સ્મશાન નજીક અગ્નિદાહ આપ્યો: વેસ્ટ ઝોન કચેરીના ડીએમસીની ચેમ્બરમાં કોંગ્રેસના ધરણા
કોંગ્રેસના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૨માં અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી સહિતની સમસ્યાઓ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા આજે વોર્ડના કોંગી કોર્પોરેટર વિજય વાંકની આગેવાનીમાં સ્થાનિક રહેવાસીઓએ ભાજપના કહેવાતા વિકાસની નનામી કાઢી મવડી સ્મશાન નજીક વિકાસને અગ્નિદાહ આપ્યો હતો. ૨૨ વર્ષના વિકાસનું મૃત્યુ થતા મહિલાઓએ છાંજીયા લીધા હતા. આટલું જ નહીં વેસ્ટ ઝોન કચેરીમાં ડીએમસી હાલાણીની ચેમ્બરમાં વિકાસના ઉઠમણાનો કાર્યક્રમ યોજવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.વોર્ડ નં.૧૨ની અનેક સમસ્યાઓને લઈ આજે કોંગી કોર્પોરેટર વિજયભાઈ વાંકની આગેવાનીમાં મવડી ચોકડીથી મવડી સ્મશાન સુધી વાજતે ગાજતે વિકાસની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. મવડી સ્મશાન પાસેના વોકળા નજીક કોંગી આગેવાનો તથા સ્થાનિક લત્તાવાસીઓએ વિકાસના અગ્નિ સંસ્કાર આપ્યા હતા અને વિકાસના મૃત્યુના આઘાતમાં મહિલાઓએ રોકકડ કરી છાંજીયા લીધા હતા. હાલ વિકાસનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે કોંગી કોર્પોરેટરે વિકાસની સ્મશાન યાત્રા અને અગ્નિ સંસ્કાર કર્યા બાદ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી કોર્પોરેશનની વેસ્ટ ઝોન ઓફિસ ખાતે ડીએમસી હાલાણીની ચેમ્બરમાં વિકાસનું ઉઠમણું યોજવામાં આવ્યું હતું. ડીએમસી હાલાણી હાજર ન હોય કોંગી કોર્પોરેટર વિજય વાંક સહિતના આગેવાનોએ સતત દોઢ કલાક સુધી ચેમ્બરમાં ધરણા કર્યા હતા. જો સ્થાનિક સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવાની પણ ઘોષણા કરાઈ છે.