વોર્ડ નં ૮માં નાનામવા મેઈન રોડ પર રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે મ્યુનિસિપલ સ્ટોર અને શાળા માટે સંયુક્ત બિલ્ડીંગનું ટુંકમાં લોકાર્પણ તૈયાર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ ૯૫ જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે અને તમામ હોકર્સ ઝોનના ફ્રન્ટ એલીવેશન એકસમાન અને સુંદર બનાવી હોકર્સ ઝોનની આગવી ઓળખ ઉભી કરવા, તેમજ તેમાં વધુ સુવિધા ઉપલબ્ધ બનાવવા અંગે સાઈટ વિઝીટ કરવામાં આવી હોવાનું મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરે શહેરના વિવિધ હોકર્સ ઝોનની રૂબરૂ મુલાકાત લઇ વર્તમાન સ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરી હતી અને ભાવી પ્લાનિંગ અંગે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી.
કમિશનરે વધુમાં એમ કહ્યું હતું કે, શહેરના તમામ હોકર્સ ઝોનના ફ્રન્ટ એલીવેશન એક્સમાન અને સુંદર બને તેમજ હોકર્સ ઝોનની એક આગવી ઓળખ ઉભી થાય તે દિશામાં વહીવટી તંત્ર પ્રયાસ હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા હવે તમામ હોકર્સ ઝોન પૈકી જે હોકર્સ ઝોનમાં આવશ્યકતા હશે ત્યાં પેવિંગ બ્લોક, ટોઇલેટ બ્લોકની સુવિધા આપવા વિચારે છે. માત્ર એટલું જ નહી પરંતુ હોકર્સ દ્વારા એક શોપકીપર્સ વેલ્ફેર એસોસિએશન પણ રચાય અને તેના મારફત જ ટોઇલેટ મેઇન્ટેનન્સ અને વાહન પાર્કિંગ મેનજમેન્ટ થાય તે દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.
મ્યુનિ. કમિશનરે અમીન માર્ગના છેડે ફૂડ ઝોન બનાવવા અંગેના કામ સબબ ત્યાં સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અધિકારીશ્રીઓને આવશ્યક સૂચના આપી હતી.
દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૮ ના ટી.પી. સ્કીમ નં ૩ ના એફ.પી. નં ૩૦ જે નાનામવા મેઈન રોડ પર આવેલ મ્યુનીસીપલ સ્ટોર હેતુ માટે આરક્ષિત જગ્યાએ કુલ રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે મ્યુનિસિપલ સ્ટોર અને શાળા માટે સંયુક્ત બિલ્ડીંગ (કુલ બાંધકામ ૪૪૫૨.૭૪ ચો.મી.) બનાવવામાં આવેલ છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આ બિલ્ડિંગની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને બીજા માળે કુલ ૧૮ ક્લાસરૂમ, ૧ કોમ્પ્યુટર રૂમ, ૧ લાઈબ્રેરી રૂમ, ૨ સ્ટાફ રૂમ તથા ૧ પ્રિન્સીપાલ ચેમ્બરની સુવિધા (કુલ બાંધકામ ૨૨૦૪.૧૦ ચો.મી.) તેમજ ત્રીજા, ચોથા અને પાંચમાં માળે સ્ટોર (કુલ બાંધકામ ૨૨૪૮.૬૪ ચો.મી.) બનાવવામાં આવેલ છે. શાળા અને સ્ટોરના પ્રવેશ માટે અલગ-અલગ વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ સ્ટોરમાં ફાઈલ સ્ટોરેજ માટે સ્ટાન્ડર્ડ કંપનીની આધુનિક કોમ્પેક્ટર સીસ્ટમ વસાવવામાં આવેલ છે. બિલ્ડીંગની બહાર આકર્ષક કલર કામ તેમજ શાળાનો પ્રવેશદ્વાર આકર્ષક ચિત્રોથી સુશોભિત કરવામાં આવેલ છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એમ કહ્યું હતું કે, આ જગ્યાએ બિલ્ડીંગ ફરતે ખુલ્લી જગ્યા તેમજ ફ્લોર પર પ્લાસ્ટીકમાંથી બનેલી લાદીનો ઉપયોગ કરવામાં આવેલ છે. પાર્કિંગ માટે પણ પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે.
મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા અને ચેતન નંદાણી, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, એડી. સિટી એન્જી. એમ.આર.કામલીયા, સિટી એન્જી. કે.એસ.ગોહેલ, સિટી એન્જી. (હાઉસિંગ) અલ્પના મિત્રા, આસીસ્ટન્ટ કમિશનર એચ. કે. કગથરા સહિતના અધિકારી તથા અન્ય સંબંધિત અધિકારી પણ સાથે રહયા હતાં.