- કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘ધી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ’ની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- સહકારિતાના માધ્યમથી ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા ગુજરાત સરકારે રાજ્યની સહકારી મંડળીઓને જરૂરી પીઠબળ પૂરું પાડ્યું: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
- “રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતી લાયક પાણી મળી રહે અને તેના એક-એક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે સૌથી જરૂરી”.
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ધી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ-ગાંધીનગર’ની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
કૃષિ મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, સહકારિતાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે સહકારી મંડળીઓને જરૂરી પીઠબળ સમાન પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતી લાયક પાણી મળી રહે અને તેના એક-એક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે સૌથી જરૂરી છે. જેના માટે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ જેવી અનેક સહકારી મંડળીઓ આજે ઉદવહન સિંચાઈને પ્રોત્સાહન આપીને મહત્તમ ખેડૂતોને આ ચળવળમાં જોડવાની સરાહનીય કામગીરી કરી રહી છે.
મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, પાણીની અછત ધરાવતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારના ખેડૂતોને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ પાણી પહોચાડવાના પ્રયાસો શરુ કર્યા હતા. જેના પરિણામે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી ગુજરાતના ખૂણે-ખૂણે કેનાલના માધ્યમથી નર્મદાના નીર પહોંચ્યા છે. સાથે જ, સૌરાષ્ટ્રમાં રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સૌની યોજના થકી ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
રાજ્યના ખેડૂતો સુધી પાણી તો પહોંચ્યું છે, પણ તેનો યોગ્ય અને જરૂરિયાત મુજબનો ઉપયોગ થવો પણ એટલો જ જરૂરી છે. નર્મદા કેનાલોમાં પાણીનું દબાણ ઘટાડવા, ખેડૂતોનું ઉત્પાદન વધારવા તેમજ પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ટપક સિંચાઈ જેવી અનેક નવી અદ્યતન સિંચાઈ પદ્ધતિઓ આજે પ્રગતિશીલ ખેડૂતો અપનાવી રહ્યા છે. રાજ્યના મહત્તમ ખેડૂતો સિંચાઈની અદ્યતન પદ્ધતિઓ સાથે જોડાય તે માટે સહકારી મંડળીઓ અથાગ પ્રયત્નો કરી રહી છે. સહકારી મંડળીઓનો રાજ્યમાં વ્યાપ વધવાથી કૃષિ ક્ષેત્રનો વિકાસ બમણો વેગ પકડશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા વિવિધ કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતને ખેતીલક્ષી વીજ કનેક્શન આપવા તેમજ તેની પ્રક્રિયા સરળ કરીને ટૂંકાગાળામાં કનેક્શન આપવામાં આવ્યા છે. વડાપ્રધાનના “વિકસિત ભારત @ 2047”ના સંકલ્પને સિદ્ધ કરવામાં કૃષિ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ રહેશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ અને સહકારી આગેવાન બીપીન પટેલે પ્રાસંગિક ઉદબોધન કરીને ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં સહકારિતા અને સિંચાઈની અદ્યતન પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય ઉદવહન પિયત મંડળી થકી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે એ ખેડૂતો માટેનું શ્રેષ્ઠ કાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી છેવાડાના લોકોનો વિકાસ સહકારી મંડળીઓના પ્રયત્નો થકી શક્ય બન્યો છે. ભારત સરકારે પ્રથમવાર અલાયદા સહકારીતા મંત્રાલયની સ્થાપના કરીને તેનું નેતૃત્વ કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહને સોંપ્યું ત્યારથી જ દેશમાં સહકાર ક્ષેત્રની દિશા અને દશા બદલાઈ છે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ દેશની દરેક સહકારી સંસ્થાઓ અને મંડળીઓની નાની મોટી તમામ તકલીફો દુર કરી તેમને મજબૂત કરવાનું સરાહનીય કામ કર્યું છે.
આ કાર્યક્રમમાં ધી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ-ગાંધીનગરના અધ્યક્ષ દેવશી સવસાણીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત અમૂલ (GCMMF)ના ઉપાધ્યક્ષ વલ્લભજી હુંબલ, જેઠા પટેલ, મોહન પરમાર, ભીખા ચૌધરી અને મહેશપટેલ સહિતના વિવિધ સહકારી આગેવાનો તેમજ સભાસદ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.