સરકારી અસ્કયામતો વેંચી આવક રળવાની સાથે બેકીંગ સેવા વધુ મજબુત કરવા વ્યૂંહરચના

બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને શોર્ટલીસ્ટ કરાઈ

1લી ફેબ્રૂઆરીએ રજૂ થયેલા કેન્દ્રિય બજેટમાં વધારાના કર લદાયા વિના ઘણી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે. કોરોના મહામારીના આ સમયમાં સંતુલન જાળવી અર્થશાસ્ત્રને નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોચાડવા સરકાર અથાગ પ્રયત્નશીલ છે. આ માટે સરકારી અસ્કયંમતો વેચી આવક ઉભી કરવા તેમજ બેંકીંગ સેવા વધુ મજબુત બનાવવા મોદી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીયકૃત ચાર મધ્યમકદની બેંકોનું ખાનગીકરણો કરવા જાહેરાત કરી છે. જેમાં બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડીયન ઓવરસીઝ બેંકનો સમાવેશ છે.આગામી 5થી છ મહિનાના સમયગાળા સુધીમાં આ ચારેય બેંકોનાં ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ જશે. મોદી સરકારના આ નિર્ણય અંગે વાત કરતા રેટીંગ એજન્સી ફીચની ભારતીય શાખાના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્ર પંતે કહ્યું કે, ચારબેંકોનાં ખાનગીકરણથી અર્થતંત્ર વેગવંતુ બનશે અને મજબુતાઈ મળશે. લાંબાગાળાના લક્ષ્યાંકોને વગર કોઈ ખેંચતાણ વગર પહોચી વળવા સરકાર જે પગલાઓ લઈ રહી છે તે આવકારદાયક છે.

વાત કરીએ આ ચારેય બેંકોનાં કર્મચારીઓ વિશે તો, બેંક ઓફ ઈન્ડીયામાં 50,000, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના 33,000 ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26,000 જયારે બેંક ઓફ મહારાષ્ટ્રમાં 13,000 કર્મચારીઓ સંકળાયેલા છે. આ ચારેય બેંકો કે જેનો વહીવટ અત્યાર સુધી સરકાર હસ્તક હતો પરંતુ હવે, તેનો દોરી સંચાર ખાનગી સંચાલકોનાં હાથમાં જશે.જેનાથી કર્મચારી અને ગ્રાહકવર્ગને અસર વર્તાશે. આગામી નાણાંકીય વર્ષની શરૂઆતમાં ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ જાય તેવી શકયતા છે. પરંતુ આ સાથે બેંકનાં કર્મચારીઓ કોઈ વાંધો ન ઉઠાવે તે અંગે પણ સરકારને ભીતિ છે.જોકે ચારેય બેંકો, હાલ અલગ તારવાઈ છે. તેના ખાનગીકરણ મુદે હજુ કર્મચારીઓની સંખ્યા વેપાર સંઘનું દબાણ અને રાજકીય દબાણ ખાસ અસર પહોચાડી શકે છે. અગાઉ પણ આ પરિબળોને કારણે ઘણી બેંકોની ખાનગીકરણની પ્રક્રિયા અટકી પડી હતી. ઉલ્લેખનીય છે કે, ખાનગીકરણ સિકકાની બે બાજુની જેમ લાભ અને નુકશાન એમ બંને પાસા ધરાવે છે. બેંકોનું ખાનગીકરણ થશે તો સુચારૂ રૂપથી ખાનગી સંચાલકો વહીવટ ચલાવી શકે તો બેંકીંગ ક્ષેત્રે વધુ મજબુતાઈ આવશે તો આ સાથે ગ્રાહકોને મળતી સેવામાં પણ વધારો થશે પરંતુ આનાથી વિપરીત પરિણામો પણ આવી શકે જેમકે, ગ્રાહકોનાં પૈસા ડુબવાનો ભય, નાદારી, વગેરે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.