કોંગ્રેસ એક રાષ્ટ્રીય ચળવળના રૂપમાં અસ્તિત્ત્વમાં આવેલ અને સમય જતા તે દરેક ભારતીયનો અવાજ બની ને ઉભરી આવેલ પક્ષ છે. તેનો ઈતિહાસ અને બલીદાનો, શહાદત, ત્યાગ, સંઘર્ષ, આંદોલનો અને દેશભક્તિથી ભરપુર છે. આ એ પક્ષ છે જેના નેતૃત્વમાં ૧૫૦ વર્ષની ગુલામીની જંજીરો તૂટી અને દેશ આઝાદ થયો. કોંગેસની આગેવાનીમાં જ્યારે આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે સત્તા, ચુંટણી કે ખુરશીની વાત ન હતી. આ લડતમાં અનેક કોંગ્રેસી, સત્યાગ્રહીઓએ અંગ્રેજ સીપાઈઓની ચાબુકના ફટકા ખાધા, લાઠીઓ ખાધી, જેલ ભોગવી, સામી છાતીએ બંદુકની ગોળીઓ ઝીલી, તોપના નાળચે બંધાણા અને હસતા મુખે ફાંસીને માચળે ચઢી મોત મીઠું કર્યું. જેઓનું ધ્યેય માત્રને માત્ર માતૃભુમિને સ્વતંત્રતા અપાવવાનું જ હતું. આ પક્ષને દેશના અનેક મહાન સપૂતોએ નેતૃત્વ પુરૂ પાડ્યું છે અને તેમના મહાન વિચારોનો ભવ્ય વારસો આપણને પ્રાપ્ત થયો છે. પૂ. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, લાલબહાદુર શાસ્ત્રી, ડો. આંબેડકર, શ્રીમતી ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા ત્યાગ અને બલીદાનના પ્રતિક સમા અનેક મહાપુરૂષોએ આ પક્ષનું નેતૃત્વ કર્યું છે. કોંગ્રેસ પક્ષ છેલ્લા ૧૩૨ કરતા વધુ વરસોથી દેશને નેતૃત્વ પુરુ પાડી રહ્યો છે. આઝાદી બાદ પણ જ્યારે જ્યારે રાષ્ટ્રની એકતા અને અખંડીતતા પર જોખમ ઉભુ થયું છે ત્યારે ત્યારે દરેક કોંગ્રેસ માતૃભૂમિના રક્ષણ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દેવા પણ તત્પર રહ્ય છે. કોંગ્રેસના રાષ્ટ્રવાદ માત્ર દેશની સીમાઓના રક્ષણ પુરતો સીમીત નથી. કોંગ્રેસજન માટે રાષ્ટ્રનું ઘડતર જે મુલ્યોના આધારે થયું છે તે મુલ્યોની રક્ષા કરવી તે પણ એટલું જ અગત્યનું છે. કોંગ્રેસ માને છે કે ભારતની અખંડિતતા બાબતે કોઈ સમાધાન થઈ શકે નહીં.
આઝાદી પછી મોટા ભાગનો સમય કોંગ્રેસે જ દેશને સ્થિર અને પ્રજાલક્ષી શાસન આપ્યું છે. બહારના આક્રમણ સામે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોએ હંમેશા રાષ્ટ્રની સીમાઓનું મજબુતાઈથી રક્ષણ કર્યું છે. શ્રીમતી ઈન્દિારા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના સમયમાં ૧૯૭૧નું પાકિસ્તાન સામેનું યુદ્ધ જે બાંગ્લાદેશના સર્જનમાં પરિણમ્યું તથા પ્રથમ અણુધડાકો- આ બન્ને ઘટનાઓ દ્વારા સમગ્ર વિશ્ર્વને એક સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો કે ભારત શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં માને છે પણ સાથે કોઈપણ જાતના બાહ્ય હુમલાઓ સામે પોતાનું મજબુતાઈથી રક્ષણ કરવા સક્ષમ છે. આવી અનેક ઐતિહાસીક ઘટનાઓ કોંગ્રેસની દેન છે.
કોંગ્રેસની વિચારધારાના કેન્દ્રમાં માનવીય મુલ્યોનું રક્ષણ અને લોકશાહીની રક્ષા રહેલા છે અને એટલે જ કોંગ્રેસનું ટકવું દેશ હિતમાં ખૂબ જરૂરી છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાતો માત્ર બકવાસ છે. લોકશાહીના પર્વ સમી ચુંટણીઓમાં હાર જીત ગૌણ છે. રાષ્ટ્રહિતમાં લડતા રહેવું એ દરેક કોંગ્રેસજનની ફરજ છે. દેશ સામેના પડકારોનો સામનો કરવા હંમેશ તત્પર રહેશું એવો આજના દિને સંકલ્પ કરીએ એજ કોંગ્રેસ દિનની સાચી ઉજવણી છે.