આંગણિયાત પુત્રીએ માતા પાસે જવાની જીદ કરતા દીવાલમાં માથું અથડાવી કરી હત્યા
સાવકી પુત્રી લગ્ન જીવનમાં બાધારૂપ લાગતા તેની હત્યા કર્યાની આપી કબૂલાત
રાજકોટમાં ગોંડલ રોડ પરના જુના જકાતનાકા પાસેથી ગઈકાલે એક અઢી વર્ષની માસૂમ બાળકીને મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તે મામલે તપાસ કરતા તેની હત્યા તેના સાવકા પિતાએ કરી હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથધરી હતી.જેમાં પોલીસને તેની ગાંધીનગરથી ધરપકડ કરી હતી.આરોપીની પૂછતાછ કરતા પોલીસને તેને કબૂલાત આપી હતી કે,તેની આંગણિયાત પુત્રી લગ્ન જીવનમાં બાધારૂપ જણાતા તેનું માથું દીવાલમાં અથડાવી મોતને ઘાટ ઉતારી હતી.
બનાવની વિગતો મુજબ મુળ ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના પૈકોલી ગામનો અમિત શ્રીકાંત ગૌડ (ઉ.વ.28) હાલ કોઠારીયા સોલવન્ટ પાસેના રસુલપરા શેરી નં-18 માં બજરંગ ચોકમાં સલીમ યુસુફભાઈ ખજુરવાળા ના મકાનમાં પત્ની રૂકમણી(ઉ.વ.27) અને સાવકી પુત્રી અનન્યા (ઉ.વ. અઢી વર્ષ) સાથે રહેતો હતો. તેના પ્રથમ લગ્ન અંજલી સાથે થયા હતા. અંજલીને સોનું નામના યુવક સાથે આડ સબંધ હોવાથી અમિતને છોડીને જતી રહી હતી.
જેથી અમિતે નજીકના રાયબડી ગામે રહેતી રુકમણી સાથે બીજા લગ્ન કર્યા હતા.રૂકમણીના પણ આ બીજા લગ્ન હતા તેના પહેલા લગ્ન વતનમાં રહેતા મનીષ બાબુલાલ ગૌડ સાથે થયા હતા.સંતાનમાં એક પુત્રી અનન્યાની પ્રાપ્તી થઈ હતી જે હાલ અઢી વર્ષની હતી. પતિ મનિષનું એકાદ વર્ષ પહેલા બિમારી સબબ મૌત નિપજતા રૂકમણીએ આઠ માસ પહેલા અમિત સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ પુત્રી અનન્યા સાથે પતિ અમિત સાથે રહેવા ગઈ હતી.ચારેક માસ પહેલા આ ત્રણેય રાજકોટ રહેવા આવી ગયા.થોડા સમય પહેલા રૂકમણીને બે માસનો ગર્ભ રહેતા પતિ અમિતને હવે આંગડીયાત પુત્રી અનન્યા અડચળરૂપ લાગવા લાગી હતી.જ્યારે પાંચેક દીવસ પહેલા રૂકમણીને મીસ્ડીલીવરી થઈ ગઈ હતી. ગઈ તા.6 ના રોજ તે કારખાને હતી પાછળથી ઘરે પતિ અમિત અને પુત્રી અનન્યા હતા. સાંજે અમિત અચાનક સલીમભાઈના કારખાને પહોંચી ગયો હતો અને પત્ની રૂકમણીને કહ્યું કે હું અને અનન્યા ગોંડલ રોડ પરથી ચાલીને જતા હતા ત્યારે કોઈ ફોર વ્હીલરના ચાલકે બંનેને હડફેટે લીધા હતા.
અનન્યાને ઈજા થતા ફોર વ્હીલરનો ચાલક તેને હોસ્પિટલ લઈ ગયો છે. પરંતુ હજુ સુધી આવ્યો નથી.આ વાત સાંભળી મકાનમાલિક અને કારખાના માલિક સલીમભાઈ પોતાના બાઈક પાછળ અમિતને બેસાડી અનન્યાની તલાશમાં નિકળી ગયા હતા. આખરે રાત્રે બે પોલીસમેનો સાથે સલીમભાઈ એકલા પરત આવ્યા હતા. તે વખતે તેણે રૂકમણીને જણાવ્યું કે ઘણી હોસ્પિટલોમાં તપાસ કરી પરંતુ અનન્યા કર્યાયથી મળી ન હતી. જેથી આજી ડેમ પોલીસને જાણ કરતા ત્યાંથી બે પોલીસમેનો તેને અને અમિતને ગોંડલ રોડ પરના જુના જકાતનાકા પાસે ખરેખર કર્યાં અકસ્માત થયો છે અને કયું વાહન છે તેની તપાસ કરવા માટે સીસીટીવી ફુટેજ જોવા લઈ ગયા હતા ત્યાથી અમિત ત્યાંથી ભાગી ગયો છે.
વળી અકસ્માતના કોઈ પુરાવા પણ મળ્યા નથી.પરીણામે મોડી રાત્રે રૂકમણીએ પતિ અને પુત્રી ગુમ થયાની તાલુકા પોલીસમાં જાહેરાત કરી હતી. પોલીસ શોધખોળ કરતી હતી ત્યાં આજે બપોરે અનન્યાની ગોંડલ રોડ પરના જુના બાવળની કાટમાંથી લાશ જકાતનાકા નજીક મળી આવી હતી. લાશના ફોરેન્સીક પોસ્ટમોટમમાં હત્યા કર્યાનું અને તે હત્યા અમિતે કર્યાનું સ્પષ્ટ થતા પોલીસે તેની શોધખોળ કરી હતી જેમાં તે ગાંધીનગરથી મળી આવતા તેની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે તેને રાજકોટ લાવી વધુ કાર્યવાહી હાથધરી છે.