માછીમારી દરમિયાન અતિ કિંમતી એવી 2000 ઘોલ માછલી મળી આવી જેની કિંમત 3 કરોડ
ગીર સોમનાથના ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરના એક માછીમારની સ્થિતિ પણ એક રાતમાં જ પલટાઈ ગઈ છે. માછીમારને ઘોલ નામની અતિ કિંમતી માછલીનો જથ્થો મળી આવતા માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઘોલ માછલીની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત હોય છે. સૈયદ રાજપરાના માછીમારને ઘોલ માછલીના 2 હજાર નંગ મળી આવ્યા છે.
માછીમારે ઝડપેલી માછલીની અંદાજિત બજાર કિંમત ત્રણ કરોડ રૂપિયા જિલ્લાના ઉના તાલુકાના છેવાડાના દરિયાકાંઠે આવેલા સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર ખલાસીઓ સાથે પોતાની ફીશીંગ બોટ લઇ દરિયામાં માછીમારી કરવા થોડા દિવસો પહેલા ગયો હતો. દરમિયાન ત્રણેક દિવસ પહેલા ગુજરાતના દરિયામાં ખાડી વિસ્તારમાં આ ફીશીગ બોટ મચ્છી પકડવા માટે જાળ બિછાવી કામગીરી કરી રહેલ હતા.
જેમાં રાત્રિના સમયે કિંમતી ઘોલ નામની પ્રજાતિની માછલીનો જથ્થો માછીમારની જાળમાં આવ્યો હતો. જાળમાં આવેલ સંખ્યાબંઘ ઘોલ માછલી એક ફીશીગ બોટમાં રાખવી શકય ન હોવાથી માછીમારે તે જ વિસ્તારમાં માછીમારી કરી રહેલ પોતાના પરિચીતની અન્ય બે બોટોને બોલાવી હતી. બાદમાં પકડાયેલ સંખ્યાબંઘ ઘોલ માછલીઓને ત્રણેય બોટમાં રાખી સૈયદ રાજપરા બંદર પરત ફરી હતી.
બંદરે પહોચ્યા બાદ ગણતરી હાથ ઘરતા અંદાજે 2 હજાર નંગ જેટલી ઘોલ માછલીનો જથ્થો પકડાયાનું સામે આવેલ હતુ. પકડાયેલ માછલીના જથ્થાની બજાર કિંમત અંદાજે ત્રણેક કરોડ જેવી થતી હોવાનું જાણકારો પાસેથી જાણવા મળેલ છે.