- તું સગાઈ તોડી નાખજે કહીને જાનથી મારી નાખવાની ધમકી દેતા નોંધાતો ગુનો
પરસાણાનગરમાં રહેતા યુવકે તેજ વિસ્તારની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને બાદમાં યુવતીની સગાઈ નક્કી થતાં યુવકે પ્રેમિકા સાથેના ફોટા યુવતીના સસરા પક્ષને મોકલી સગાઈ તોડાવી નાખી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેક વર્ષ પહેલા તેને આયુષ સાથે પ્રેમસબંધ હોય તેથી તે લગ્ન માટે જીદ કરતો હતો.આ અંગે યુવતીના પિતાને જાણ થતાં આયુષના ઘરે જઈ તેના પરિવારને સમજાવી સમાધાન કર્યું હતું.બાદમાં યુવતીની સગાઈ અન્ય સાથે થતાં આયુષે યુવતીને આંતર હાથ પકડી બાઈકમાં બેસી જવા માટે કહેતો હતો. એમ પણ કહેતો કે તું સગાઈ નહીં તોડી નાખ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ
વધુમાં ભોગ બનનાર યુવતીએ પ્રેમસબંધ હતો ત્યારે આયુષ અવાર-નવાર તેની મરજી વિરુધ્ધ શારિરીક અડપલા કરતો હતો. એટલું જ નહીં તેના મોબાઈલ ફોનમાં બંનેના ફોટા પણ પાડી લીધા હતાં. જે ફોટા વાયરલ કરવાની અને તેની જ્યાં સગાઈ થઈ છે તે પરિવારને બતાવવાની ધમકી આપતો હતો. જે-તે વખતે તે ડરી જતાં પરિવારના સભ્યોને આ વાત કરી ન હતી. પરંતુ ’આયુષનો ત્રાસ વધી જતાં આખરે પરિવારને જાણ કરી હતી.
થોડા દિવસો પહેલી તેની જ્યાં -સગાઈ થઈ છે તે પરિવારના તમામ સભ્યોના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતા હતાં. જેથી તેના માતા-પિતા ત્યાં મળવા ગયા હતા. તે વખતે તેમણે જણાવ્યું કે અગાઉ તમારી પુત્રીને આયુષ નામના યુવક સાથે પ્રેમસબંધ હતો પરંતુ આ બાબત તમે અમને જણાવી એમ કહી સામા પક્ષે સગાઈ તોડી નાખી હતી . આ સ્થિતિમાં આયુષે તેના ફોટા તેની જ્યાં સગાઈ થઈ તે પરિવારને મોકલી આપ્યાની શંકા આધારે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપી આયુષને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.